
- વડોદરાના સાંસદે પણ પૂર્વ વીસીને ઈ-મેઈલ કરી બંગલો ખાલી કરવા કહ્યુ
- યુનિવર્સિટીએ પણ નોટિસ પાઠવીને પૂર્વ વીસીને બંગલો ખાલી કરવા સુચના આપી
- 48 કલાકમાં પૂર્વ વીસી બંગલો ખાલી કરવા વિદ્યાર્થીઓએ આપ્યું અલ્ટિમેટમ
વડોદરાઃ દેશની પ્રતિષ્ઠિત ગણાતી એમ એસ યુનિવર્સિટીના પૂર્વ કૂલપતિ ડો. વિજય શ્રીવાસ્તવએ યુનિએ ફાળવેલો બંગલો ખાલી ન કરતા વિવાદ ઊભો થયો છે. ભાજપના સાંસદ હેમાંગ જોશીએ પણ ઈ-મેઈલ કરીને બંગલો ખાલી કરવાની વિનંતી કર્યા બાદ પણ બંગલો ખાલી ન કરતા હવે વિદ્યાર્થીઓ મેદાનમાં આવ્યા છે. વિદ્યાર્થીઓએ પૂર્વ વીસીને તેમના વતન પરત મોકલવા ફાળો ઉઘરાવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા યુનિવર્સિટીના પૂર્વ વીસી બંગલો ખાલી કરતા ન હોવાથી વિવાદ ઊભો થયો છે. યુનિવર્સિટીએ પૂર્વ વીસીને નોટીસ આપ્યા બાદ બંગલો ખાલી ન કરાતા વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોશીએ પૂર્વ વીસીને યુનિવર્સિટીએ આપેલો બંગલો ખાલી કરવા માટે ઇ-મેઇલ કર્યો હતો. ત્યારબાદ યુનિ.ના વિદ્યાર્થી સંગઠનો દ્વારા યુનિની હેડ ઓફીસ ખાતે રજૂઆતો કરી હતી અને 48 કલાકમાં પૂર્વ વીસી બંગલો ખાલી કરે તેવી ઉગ્ર રજૂઆતો કરી હતી. વિદ્યાર્થી સંગઠનોએ 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. યુનિ. સત્તાધીશો દ્વારા ગુરુવારે પૂર્વ વીસીને બંગલો ખાલી કરવા માટે નોટીસ પાઠવી હતી. તાત્કાલીક અસરથી બંગ્લો ખાલી કરવા માટે નોટીસ આપી હોવાનું જાણવા મળ્યું છે. હવે જોવાનું રહ્યું કે વીસીને નોટીસ આપ્યા બાદ પણ તેઓ કેટલો સમયમાં બંગલો ખાલી કરે છે. બીજી તરફ યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા પૂર્વ વીસીને તેમના વતન મોકલા માટે ટીકીટ કઢાવી આપવા માટે ફાળો ઉઘરાવીને વિરોધ નોંધાવ્યો હતો.
એમ એસ યુનિવર્સિટીના વિદ્યાર્થી આગેવાન મહાવીરસિંહ રાજે કહ્યું કે યુનિવર્સિટીના પૂર્વ વીસી બંગલો ખાલી કરી રહ્યા નથી જેથી તેમને વતન મોકલવા ટીકીટ ખરીદવા માટે હોસ્ટેલના વિદ્યાર્થીઓ પાસેથી ફાળો ઉઘરાવામાં આવ્યો છે.
સૂત્રોના કહેવા મુજબ એમ એસ.યુનિ.ના વાઈસ ચાન્સેલર તરીકે રાજીનામું આપ્યાના બે મહિના બાદ પણ વાઈસ ચાન્સેલરનો બંગલો ખાલી નહીં કરનારા ડો.વિજય શ્રીવાસ્તવના બંગલામાં હાલમાં પણ સિક્યુરિટી સહિત 6 જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. તેની સાથે યુનિવર્સિટીના પગારદાર રસોઈયા અને બીજા બે કર્મચારીઓને પણ તેમની સેવામાં તૈનાત રાખવામાં આવ્યા છે.