
- ધો. 10 અને 12ની માર્કશીટમાં નામ, જન્મતારીખ, વિષયોમાં ભૂલ હશે તો પછી નહીં સુધરે,
- હવે માર્કશીટમાં રહેલી નાની-મોટી ભૂલ પણ સમયસર સુધારાશે,
- CBSE દરેક વિદ્યાર્થી માટે એક ડેટા વેરિફિકેશન સ્લિપ જારી કરશે.
અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા વર્ષ 2026ની ધોરણ-10 અને 12ની પરીક્ષાઓની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. સીબીએસઈ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની માર્કશીટમાં જો કોઈ ક્ષતિ કે વિદ્યાર્થીઓના નામમાં કે વિષયોમાં અથવા તો જન્મ તારીખમાં જો કોઈ ભુલ હોય તો તેને સુધારવા માટે વિદ્યાર્થીઓના હિતમાં એક નવી સિસ્ટમ જાહેર કરવામાં આવી છે. હવે માર્કશીટ અને સર્ટિફિકેટમાં રહેલી ભૂલો જેમ કે નામ, જન્મતારીખ અને વિષયની વિગતો સરળતાથી સુધારી શકાશે.
સીબીએસઈ બોર્ડે બહાર પાડેલા પરિપત્ર મુજબ, શાળાઓ દ્વારા ‘લિસ્ટ ઓફ કૅન્ડિડેટ્સ’ (LOC) સબમિટ થયા બાદ CBSE દરેક વિદ્યાર્થી માટે એક ડેટા વેરિફિકેશન સ્લિપ જારી કરશે. તેમાં વિદ્યાર્થી, માતા-પિતા/વાલીનું નામ, જન્મતારીખ અને પસંદ કરેલા વિષયો જેવી અગત્યની માહિતી હશે. આ સ્લિપ વિદ્યાર્થીઓને આપવામાં આવશે જેથી તેઓ તમામ વિગતો ચકાસી શકશે. જો કોઈ ભૂલ જણાય તો વિદ્યાર્થીએ તરત જ શાળાને જાણ કરવી પડશે. ત્યારબાદ શાળા તે સુધારાની વિનંતી CBSEને મોકલશે. પરીક્ષા ફોર્મ ભરતા પહેલાં જ આ પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત રહેશે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે સુધારા માટેનો સમયગાળો 13 ઑક્ટોબરથી 27 ઑક્ટોબર સુધીનો રહેશે. આ દરમિયાન જ સુધારો સ્વીકારવામાં આવશે, ત્યારબાદ કોઈપણ પ્રકારનો ફેરફાર શક્ય નહીં રહે.
CBSEના સૂત્રોના કહેવા મુજબ માર્કશીટ કે સર્ટીફિકેટમાં નામ કે જન્મતારીખ જેવી વિગતો સુધારવા માટે જરૂરી દસ્તાવેજો (જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ અથવા સમકક્ષ પુરાવા) રજૂ કરવાના રહેશે. જો વિદ્યાર્થી સમયસર સુધારો નહીં કરાવે તો પછી માત્ર કોર્ટ ઓર્ડર કે વિશેષ પરિસ્થિતિમાં જ સુધારો શક્ય બનશે. દર વર્ષે દેશભરમાં આશરે 35 લાખથી વધુ વિદ્યાર્થીઓ CBSEની 10 અને 12ની પરીક્ષાઓ આપે છે. વિદ્યાર્થીઓને અપાતી ડેટા વેરિફિકેશન સ્લિપમાં જો નામ, જન્મતારીખ અથવા વિષય જેવી માહિતીમાં કોઈ ભૂલ જણાય તો તરત જ સ્કૂલને જાણ કરવી પડશે. સ્કૂલ તે સુધારાની વિનંતી બોર્ડને મોકલશે, જેના આધારે જરૂરી સુધારો થશે. આ પ્રક્રિયા પરીક્ષા ફોર્મ ભરતી પહેલાં પૂર્ણ કરવી ફરજિયાત રહેશે.