
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરનું પૃથ્વી પર પાછા ફરવાનું ફરી એકવાર મુલતવી રહ્યું
નવી દિલ્હીઃ અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરનું પૃથ્વી પર પાછા ફરવાનું ફરી એકવાર મુલતવી રાખવામાં આવ્યું. ‘ક્રૂ-10 મિશન’ સ્પેસએક્સ રોકેટ ફાલ્કન 9થી લોન્ચ થવાનું હતું પરંતુ ટેકનિકલ કારણોસર લોન્ચ મુલતવી રાખવામાં આવ્યું હતું. ‘ક્રૂ-10 મિશન’ દ્વારા ચાર અવકાશયાત્રીઓ આંતરરાષ્ટ્રીય અવકાશ કેન્દ્ર (ISS) જવાના છે. તેનો હેતુ ISS પરના વર્તમાન ક્રૂને બદલવા અને વિલ્મોર અને વિલિયમ્સના પાછા ફરવાની ખાતરી કરવાનો છે.
નાસાએ જાહેરાત કરી કે ‘ફાલ્કન 9’ રોકેટના ગ્રાઉન્ડ સપોર્ટ ક્લેમ્પ આર્મમાં હાઇડ્રોલિક સિસ્ટમમાં સમસ્યાને કારણે લોન્ચ રદ કરવામાં આવ્યું છે. સ્પેસએક્સનું ક્રૂ-10 મિશન ગુરુવારે કેપ કેનાવેરલના કેનેડી સ્પેસ સેન્ટરથી 7.48 વાગ્યે (2348 GMT) ઉપડવાનું હતું. તેમાં બે અમેરિકન અવકાશયાત્રીઓ, એક જાપાની અવકાશયાત્રી અને એક રશિયન અવકાશયાત્રીને લઈ જવાનું આયોજન હતું. બુધવારના પ્રયાસને મુલતવી રાખ્યા પછી તેના સુધારેલા પ્રક્ષેપણ લક્ષ્યની જાહેરાત કરી છે. જો ક્રૂ-10 મિશન શુક્રવારે લોન્ચ થાય છે, તો અવકાશયાત્રીઓ વિલ્મોર અને વિલિયમ્સને લઈને ક્રૂ-9 મિશન બુધવાર, 19 માર્ચે આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ISS)થી રવાના થવાની ધારણા છે, એમ નાસાએ જણાવ્યું હતું.
વિલિયમ્સ અને તેમના સાથીદાર બુચ વિલ્મોર, જેઓ જૂન 2024 થી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર ફસાયેલા છે. બંને જૂન મહિનામાં બોઇંગના સ્ટારલાઇનરમાં આઠ દિવસના ISS મિશન પર ગયા હતા. જોકે, ટેકનિકલ સમસ્યાઓના કારણે સ્ટારલાઇનર પરત ફરવા માટે અસુરક્ષિત બન્યું. નાસાએ જણાવ્યું હતું કે વિલ્મોર અને વિલિયમ્સ અન્ય અવકાશયાત્રીઓ સાથે ISS પર સંશોધન અને જાળવણીમાં રોકાયેલા છે અને સુરક્ષિત છે.