અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મૃતક પાયલોટ સમુત સભરવાલના પિતાને સુપ્રીમ કોર્ટે આપી સાંત્વના
નવી દિલ્હીઃ અમદાવાદમાં 12મી જૂનના રોજ બનેલી ભયાનક એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના કેસમાં સુપ્રીમ કોર્ટએ કેન્દ્ર સરકાર અને ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA)ને નોટિસ ફટકારી છે. કોર્ટએ દુર્ઘટનાની ન્યાયિક તપાસની માગ પર બંને પક્ષોને જવાબ આપવા આદેશ આપ્યો છે. આ નોટિસ બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનના મૃત પાયલટ ઇન કમાન્ડ સુમિત સભરવાલના પિતા પુષ્કરરાજ સભરવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના આધારે આપવામાં આવી છે. અરજીની સુનાવણી દરમિયાન જસ્ટિસ સૂર્યકાન્તએ પુષ્કરરાજ સભરવાલને સાંત્વના આપતા કહ્યું કે, “આ દુર્ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ હતી, પરંતુ તમે ચિંતા ન કરો, તમારા દીકરાને દોષિત ગણવામાં આવ્યો નથી.” આ ટિપ્પણીથી કોર્ટએ સ્પષ્ટ સંકેત આપ્યો કે પ્રારંભિક તપાસમાં પાયલટ ઇન કમાન્ડને જવાબદાર ઠેરવવાની કોઈ વાત નથી. આ કેસની આગામી સુનાવણી 10મી નવેમ્બરે યોજાશે.
કેસની હકીકત અનુસાર, મૃત પાયલટના પિતાની સાથે ફેડરેશન ઑફ ઈન્ડિયન પાયલટ્સ (FIP)એ પણ સુપ્રીમ કોર્ટમાં ન્યાયિક તપાસની માગ સાથે અરજી દાખલ કરી છે. બંને અરજીઓમાં દુર્ઘટનાના કારણોની સ્વતંત્ર તપાસ માટે ન્યાયિક કમિશનની રચનાની માગણી કરવામાં આવી છે. જુલાઈમાં એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા રજૂ કરાયેલા પ્રારંભિક રિપોર્ટમાં જણાવાયું હતું કે ટેકઓફ પછી તરત જ બંને એન્જિનમાં ફ્યુઅલ સપ્લાય બંધ (ફ્યુઅલ કટઓફ) થઈ ગયો હતો. રિપોર્ટ અનુસાર, ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ એક પછી એક બંધ થઈ ગઈ હતી, અને લગભગ 10 સેકન્ડ બાદ ફરી ચાલુ કરવામાં આવી હતી પરંતુ તે દરમિયાન એન્જિનમાં આગ લાગી, જેનાથી વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. આ પ્રારંભિક રિપોર્ટ જાહેર થયા બાદ પુષ્કરરાજ સભરવાલે પોતાના દીકરો નિર્દોષ જાહેર થાય અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ ન્યાયિક તપાસ થાય તે માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.


