Homeગુજરાતીદિલ્હી આંદોલનમાં પેલેટ ગનથી ઘાયલોની સારવાર કરાવવા સુપ્રીમ કોર્ટનો સરકારને નિર્દેશ

દિલ્હી આંદોલનમાં પેલેટ ગનથી ઘાયલોની સારવાર કરાવવા સુપ્રીમ કોર્ટનો સરકારને નિર્દેશ

નવી દિલ્હી, 30 જુલાઈ 2026: રાજધાની દિલ્હીમાં વિદ્યાર્થી આંદોલન અને વિરોધ પ્રદર્શન દરમિયાન કથિત રીતે પેલેટ ગનના હુમલામાં ઘાયલ થયેલા નાગરિકોની સારવારને લઈને સુપ્રીમ કોર્ટે સખત વલણ અપનાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે દિલ્હી સરકારને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે તેઓ જંતર-મંતર પર થયેલા દેખાવો વખતે ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોની યોગ્ય અને ઉત્તમ સારવાર સુનિશ્ચિત કરે, ખાસ કરીને એવા પીડિતોની જેઓ પેલેટ ગનથી ગંભીર રીતે ઘાયલ થયા છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની વિશેષ પીઠ સમક્ષ આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

ઈન્ટેલિજન્સ બ્યુરોના પૂર્વ વિશેષ નિર્દેશક અને કેન્દ્રીય સૂચના આયુક્ત રહી ચૂકેલા યશોવર્ધન આઝાદ દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં મુખ્યત્વે વિરોધ પ્રદર્શનોમાં ભીડને નિયંત્રિત કરવા માટે પેલેટ ગનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત આંદોલન દરમિયાન પીડિત બનેલા વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે યોગ્ય વળતર ચૂકવવાની પણ માંગ કરાઈ છે. ગુરુવારે (૩૦ જુલાઈ) સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન, કોર્ટે કેન્દ્ર સરકાર પાસે પેલેટ ગનનો ઉપયોગ કરવા માટેના સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલને લઈને વિગતવાર જવાબ માંગ્યો છે. કોર્ટે સંકેત આપ્યા છે કે પેલેટ ગન પર સીધો અને સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો મુશ્કેલ બની શકે છે, પરંતુ તેના ઉપયોગ માટેના નિયમો અને પ્રોટોકોલની સમીક્ષા ચોક્કસપણે કરવામાં આવશે.

  • કોર્ટમાં સુનાવણી દરમિયાન ઉઠેલા મુખ્ય મુદ્દાઓ

મેટલ પેલેટના ઉપયોગ પર સવાલ: અરજકર્તાના વકીલ વૃંદા ગ્રોવરે કોર્ટમાં દલીલ કરી હતી કે આંદોલન દરમિયાન રબરના બદલે મેટલ પેલેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે માનવ શરીર માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. આ પ્રકારના ઘાતક શસ્ત્રોનો ઉપયોગ તાત્કાલિક ધોરણે અટકવો જોઈએ.
નિયમોને પડકારવા પડશે: સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે સુરક્ષા દળોની નિયમાવલી ઘણીવાર જટિલ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને બનેલી હોય છે. જો તમારે તેના પર રોક લગાવવી હોય, તો સંબંધિત નિયમોને કાયદેસર રીતે યોગ્ય અરજી દાખલ કરીને પડકારવા પડશે.
બ્રિટિશ કાળના નિયમોનો ઉલ્લેખ: સુનાવણી દરમિયાન કોર્ટે રામલીલા મેદાનની પોલીસ કાર્યવાહીનો પણ ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે ટિપ્પણી કરી હતી કે બ્રિટિશ કાળ દરમિયાન જરૂર પડ્યે સીધા છાતીમાં ગોળી મારવાના કાયદા હતા, પરંતુ આઝાદ ભારતની પરિસ્થિતિ અને લોકતાંત્રિક મૂલ્યો બિલકુલ અલગ છે.
ઉપદ્રવીઓ અને કાયદો: કોર્ટે એ વાતની પણ નોંધ લીધી હતી કે ઘણીવાર શાંતિપૂર્ણ આંદોલનોમાં અસામાજિક તત્વો કે ઉપદ્રવીઓ પણ ઘૂસી જતા હોય છે, તેથી સુરક્ષા દળોએ તમામ પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરીને જ પગલાં લેવા પડે છે.

અદાલતે આ મામલે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને SOP અંગે જવાબ માંગ્યો છે અને આદેશ કર્યો છે કે આખા ઘટનાક્રમના પોલીસ ઓર્ડર અને રિકોર્ડ સુરક્ષિત રાખવામાં આવે. આ સાથે જ ઘાયલોની સારવાર સુનિશ્ચિત કરવાના નિર્દેશ સાથે મામલાની આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે.

સંબંધિત લેખો

Most Popular