
નવી દિલ્હીઃ દેશનિકાલ કરાયેલા બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીને ફરી એકવાર મોહમ્મદ યુનુસ સરકાર સામે આકરા પ્રહાર કર્યાં છે. તેમણે યુનુસનો નોબેલ શાંતિ પુરસ્કાર પાછો ખેંચવાની અપીલ કરી છે. તસ્લીમા નસરીને મોહમ્મદ યુનુસ પર સત્તાના દુરુપયોગ, ભ્રષ્ટાચાર અને માનવાધિકાર ઉલ્લંઘનના ગંભીર આરોપો લગાવ્યા છે.
તસ્લીમા નસરીને X પર પોસ્ટ કરી છે કે, તેમણે નોર્વેજીયન નોબેલ સમિતિને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેણીએ લખ્યું છે કે, “હું જાણું છું કે એકવાર નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવે તો તે પાછો લઈ શકાતો નથી, પરંતુ કૃપા કરીને વિચાર કરો કે શું અપવાદરૂપ પરિસ્થિતિઓમાં આ શક્ય છે? તમે બાંગ્લાદેશના મુહમ્મદ યુનુસને નોબેલ શાંતિ પુરસ્કાર આપ્યો, પરંતુ તેમણે શાંતિ માટે એક પણ કામ કર્યું નહીં.”
તસ્લીમા નસરીને આરોપ લગાવ્યો હતો કે મોહમ્મદ યુનુસે ગ્રામીણ બેંકમાં રહીને કરચોરી કરી હતી અને બેંકના વિદેશી ભંડોળનો ઉપયોગ પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે કર્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે સૂક્ષ્મ લોન લેનારી મહિલાઓ વ્યાજ સહિત રકમ ચૂકવી શકી ન હતી, ત્યારે ગ્રામીણ બેંકના કર્મચારીઓએ તેમના ઘર તોડી નાખ્યા. આવી વ્યક્તિને શાંતિનું પ્રતીક કેવી રીતે ગણી શકાય?
લેખિકા તસ્લીમા નસરીને 1971માં મુહમ્મદ યુનુસને પરાજિત પાકિસ્તાની સેનાનો એજન્ટ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે મોહમ્મદ યુનુસ જેહાદી આતંકવાદીઓ સાથે જોડાણ કરીને બાંગ્લાદેશમાં ગેરકાયદેસર રીતે સત્તા સંભાળી રહ્યા છે. તેમણે કહ્યું, “છેલ્લા નવ મહિનામાં, તેમના આદેશ પર વિપક્ષી નેતાઓ અને લઘુમતી હિન્દુઓની હત્યા કરવામાં આવી છે. તેમના ઘરોને નાશ કરવામાં આવ્યા છે. ઘણા લોકોને ખોટી રીતે કેદ કરવામાં આવ્યા છે.”
તસ્લીમાએ વધુમાં જણાવ્યું હતું કે, “યુનુસ પડોશી દેશ ભારત સામે યુદ્ધની તૈયારી કરી રહ્યો છે. બાંગ્લાદેશ પાસે ભારત સામે યુદ્ધ કરવાની બિલકુલ ક્ષમતા નથી, છતાં તે પોતાના ભ્રમમાં દેશના લાખો લોકોને મૃત્યુ તરફ ધકેલી રહ્યો છે. જેહાદી આતંકવાદીઓના હુમલાઓને કારણે ઉદ્યોગો બંધ થઈ ગયા છે, આર્થિક સ્થિતિ ભયંકર બનવાની છે, પરંતુ યુનુસ ચિંતિત નથી. તેમનો બાંગ્લાદેશમાં ચૂંટણી કરાવવાનો પણ કોઈ ઈરાદો નથી. તેના ભાગીદારો (પાકિસ્તાન) દેશને લૂંટવામાં વ્યસ્ત છે.”
લેખિકા તસ્લીમા નસરીને આરોપ લગાવ્યો હતો કે મુહમ્મદ યુનુસ બાંગ્લાદેશને આર્થિક, રાજકીય અને સામાજિક રીતે ભયંકર સંકટમાં ધકેલી રહ્યા છે. તેના હૃદયમાં નફરત અને વેર છે. તેમનું વર્તન અસંસ્કારી, બર્બર અને ક્રૂર છે. તેઓ વિપક્ષના લોકોને મારવા માંગે છે. તેમને શાંતિ સ્થાપવાની કોઈ ઈચ્છા નથી. આ નવ મહિના દરમિયાન દેશમાં એક દિવસ પણ શાંતિ નહોતી અને તેમને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. કૃપા કરીને તેમનો નોબેલ પુરસ્કાર પાછો ખેંચીને શાંતિના પક્ષમાં એક ઉદાહરણ બેસાડો.