- રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો બનાવ,
- પોલીસે શિક્ષિકાના ઘરમાંથી ચોરીના દાગીના સહિત રૂ 81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો,
- આરોપી મહિલા વિદ્યાર્થીના ઘરે એક પ્રસંગમાં જવા માટે કપડાં ચેન્જ કરવા પહોંચી હતી
અમદાવાદઃ શહેરના રામોલ વિસ્તારમાં શાશ્વત મહાદેવ નામના ફ્લેટમાં 10 તોલા સોનાના દાગીના અને રોકડ ચોરીનો બનાવ બન્યો હતો. આ બનાવમાં પોલીસે ખાનગી સ્કૂલની શિક્ષિકાની ધરપકડ કરી છે. શિક્ષિકાનો પતિ એક અકસ્માતમાં ગંભીરરીતે ઈજાગ્રસ્ત બન્યો હતો, તેની સારવાર માટે શિક્ષિકા પાસે રૂપિયા ન હોવાથી પોતાના સ્ટુડન્ટના ઘરમાંથી 10 તોલા સોનુ અને રોકડની ચોરી કરી હતી. શિક્ષિકાની શકાસ્પદ ગતિવિધિથી ભાંડો ફૂટ્યો છે.
આ બનાવની વિગત એની છે કે, શહેરના રામોલ વિસ્તારમાં શાશ્વત મહાદેવ નામના ફ્લેટમાં 10 તોલા સોનાના દાગીના અને રોકડ ચોરીનો બનાવ બન્યો હતો. દિવાળીના તહેવારમાં થયેલી ચોરીની ઘટનાના પગલે રામોલ પોલીસે જુદી જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી. આ મકાન 10 દિવસથી બંધ હતું. જેથી પોલીસે CCTV ફુટેજના આધારે તપાસ શરૂ કરી હતી. દરમિયાન આરોપી શિક્ષિકા સંગીતા નાયડુ ભોગ બનનારના ઘરે એક પ્રસંગમાં જવા માટે કપડાં ચેન્જ કરવા પહોંચી હોવાનું CCTV માં કેદ થયું હતું. જેથી શકાના આધારે પોલીસે શિક્ષિકાની પૂછપરછ કરતા ચોરીનો ભેદ ઉકેલાયો હતો. રામોલ પોલીસે મહિલાના ઘરમાંથી ચોરીના સોનાના દાગીના અને રોકડ સહિત રૂ 7.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રામોલ પોલીસ સ્ટેશનનના પીઆઈ બીપી સાવલિયાએ જણાવ્યું કે, પોલીસ તપાસમાં સામે આવ્યું કે મહિલા આરોપી સંગીતા નાયડુ અગાઉ વસ્ત્રાલની એક સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતી હતી. આ દરમિયાન ભોગ બનનાર સાથે પરિચયમાં આવી હતી. ભોગ બનનારનો પુત્ર તે સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. 10 દિવસ પહેલા આરોપી સંગીતાના પતિ રાજેશનો અકસ્માત થતા તેમના ઈલાજ માટે દોઢ લાખ રૂપિયાની જરૂર હતી. જેથી મહિલા આરોપીએ પતિના ઈલાજ માટે ચોરી કરવાનું નક્કી કર્યું. અને પ્રસંગમાં જવા માટે કપડાં ચેન્જ કરવાનું કહીને ભોગ બનનારના ઘરે પહોંચી ગઈ હતી. તે રૂમમાંથી દાગીના અને રોકડની ચોરી કરીને ફરાર થઇ ગઇ હતી. આ મહિલા ગર્ભવતી છે. તેને 7 વર્ષની દીકરી પણ છે. મહિલા પતિ અને આર્થિક જરૂરિયાત માટે શિક્ષિકામાંથી ચોર બની હતી. રામોલ પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે..
રામોલ પોલીસે ચોરી કેસમાં મહિલાની ધરપકડ કરીને ચોરીનો મુદ્દામાલ તેના ઘરેથી કબ્જે કર્યો છે. આ મહિલાએ ચોરીના દાગીના એક પુરુષને વેચવા માટે આપ્યા હતા. આ પુરુષ કોણ છે અને ચોરીમાં તેની કોઈ ભૂમિકા છે કે નહીં તે મુદ્દે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.


