અમદાવાદ, 15 ફેબ્રુઆરી-2026: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિકનું ભારણ સતત વધતું જાય છે. ત્યારે એક્સપ્રેસ હાઈવેને સિક્સલેન કરવાનો નિર્ણ લેવાયા બાદ હાઈવે ઓથોરિટી દ્વારા ટેન્ડરીંગ પ્રકિંયા શરૂ કરવામાં આવી છે. એક્સપ્રેસ હાઈવે સિક્સલેનનો થતાં અમદાવાદથી વડોદરા ઝડપથી પહોંચી શકાશે.
સૌથી વ્યસ્ત ગણાતો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે (NE-1)ને 6 લેન સુધી વિસ્તૃત કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. નેશનલ હાઈ-વે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ એક્સપ્રેસવેના વિસ્તરણ માટે ડીટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવા કન્સલ્ટન્સી ફર્મ નીમવા ટેન્ડર બહાર પાડ્યું છે. જેમાં DPR 0.000 કિમીથી 93.302 કિમી સુધીના સંપૂર્ણ 93.302 કિમીના માર્ગ માટે તૈયાર કરવામાં આવશે. હાલ આ એક્સપ્રેસવે પર બંને બાજુ બે-બે લેન અને સર્વિસ લેન ઉપલબ્ધ છે.
નેશનલ હાઈવે ઓથોરિટીના જાહેર શેડ્યૂલ મુજબ, ટેન્ડર સંબંધિત પ્રશ્નો 3 માર્ચ, 2026 સુધી પુછાઈ શકશે. 4 માર્ચે પ્રી-બિડ મિટિંગ યોજાશે, જ્યારે ટેન્ડર ડાઉનલોડ અને સબમિટ કરવાની છેલ્લી તારીખ 14 માર્ચ, 2026 સવારે 11 વાગ્યા સુધી રાખવામાં આવી છે.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે દેશનો પ્રથમ 4-લેન એક્સપ્રેસવે ગણાય છે. આ માર્ગ અમદાવાદ, નડિયાદ, આણંદ અને વડોદરાને જોડતો મહત્વપૂર્ણ કોરિડોર છે. છેલ્લા બે દાયકામાં ઝડપભર્યું શહેરીકરણ, ઉદ્યોગ વિકાસ અને લોજિસ્ટિક્સ પ્રવૃત્તિઓમાં વધારો થતાં વાહનવ્યવહાર વધી રહ્યો છે. હાલમાં આ એક્સપ્રેસવે પર દરરોજ અંદાજે 51 હજાર જેટલા વાહનો પસાર થાય છે. વડોદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે સાથે જોડાણ થતા આગામી સમયમાં ટ્રાફિક વધવાની શક્યતા છે.આથી ગુજરાત સરકારે એક્સપ્રેસવેને 8-લેન સુધી વિસ્તૃત કરવાની માંગ કેન્દ્ર સમક્ષ મૂકી હતી. આ મુદ્દો નવી દિલ્હીમાં યોજાયેલી બે દિવસીય ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (TDC) બેઠકમાં પણ ચર્ચાયો હતો.
હાઈવે ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા મુજબ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવેની બંને બાજુ લગભગ 50-50 મીટર જેટલો રાઇટ ઓફ વે પહેલેથી જ ઉપલબ્ધ હોવાથી જમીન અધિગ્રહણની મોટી જરૂરિયાત ઉભી નહીં થાય. વિસ્તરણ બાદ ટ્રાફિક જામમાં રાહત, માર્ગ સલામતીમાં વધારો અને અમદાવાદ–વડોદરા–મુંબઈ વચ્ચેનું વાહનવ્યવહાર વધુ સુગમ બનવાની અપેક્ષા છે.


