
દક્ષિણ અમેરિકન દેશ કોલંબિયામાં મોટો હુમલો થયો છે. એક લશ્કરી શાળા પાસે વિસ્ફોટકોથી ભરેલી કારથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા અને 30 થી વધુ ઘાયલ થયા હતા. બીજા હુમલામાં, એક પોલીસ હેલિકોપ્ટરને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં 8 પોલીસકર્મીઓ માર્યા ગયા હતા. કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ બંને ઘટનાઓ માટે આતંકવાદી સંગઠન રિવોલ્યુશનરી આર્મ્ડ ફોર્સિસ ઓફ કોલંબિયાને જવાબદાર ઠેરવ્યા છે. આ જૂથને FARC તરીકે પણ ઓળખવામાં આવે છે.
રાષ્ટ્રપતિ પેટ્રોએ સોશિયલ મીડિયા પર શેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હેલિકોપ્ટર પરના હુમલામાં આઠ પોલીસકર્મીઓ માર્યા ગયા હતા. હેલિકોપ્ટરમાં રહેલા પોલીસકર્મીઓ એન્ટિક્વા વિસ્તારમાં કોકા પર્ણના પાકનો નાશ કરવા જઈ રહ્યા હતા. નોંધનીય છે કે કોકા પર્ણનો ઉપયોગ કોકેઈન ડ્રગ્સ માટે કાચા માલ તરીકે થાય છે. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે પોલીસકર્મીઓ જે કોકેઈન જપ્ત કરવા જઈ રહ્યા હતા તે FARCનું હતું. એન્ટિક્વા ગવર્નર એન્ડ્રેસ જુલિયનએ કહ્યું હતું કે હેલિકોપ્ટર પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
કોલંબિયાના સંરક્ષણ પ્રધાન પેડ્રો સાંચેઝે કહ્યું હતું કે હુમલાને કારણે હેલિકોપ્ટરમાં આગ લાગી હતી. કોલંબિયાના દક્ષિણપશ્ચિમ શહેર કાલીમાં બીજા હુમલામાં, લશ્કરી ઉડ્ડયન શાળા નજીક વિસ્ફોટકોથી ભરેલી કારમાં વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પાંચ લોકો માર્યા ગયા હતા અને 30 થી વધુ ઘાયલ થયા હતા. કોલંબિયાની વાયુસેનાએ હજુ સુધી આ અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. રાષ્ટ્રપતિ પેટ્રોએ આ હુમલા માટે દેશના ડ્રગ કાર્ટેલને જવાબદાર ઠેરવ્યા છે. 2016 માં, કોલંબિયાની સરકારે FARC સાથે શાંતિ કરાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંગઠને તેને નકારી કાઢ્યો હતો. કોલંબિયામાં કોકા પર્ણ પાકનું ઉત્પાદન ઘણું વધ્યું છે. ડ્રગ્સ પર સંયુક્ત રાષ્ટ્રના અહેવાલમાં જણાવાયું છે કે વર્ષ 2023 માં, કોકા પર્ણ પાકનું ઉત્પાદન રેકોર્ડ 2,53,000 હેક્ટર જમીન પર થયું હતું.