રાજકોટ, 18 માર્ચ 2026: Jetpur’s saree industry in trouble ઈરાન સામે ઈઝરાઈલ અને અમેરિકાના યુદ્ધને લીધે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ (ખાડી) બંધ કરી દેતા જહાજોની આવન-જાવન બંધ થઈ ગઈ છે. જેની અસર ભારતીય ઉદ્યોગો પર પડી છે. જેમાં સૌરાષ્ટ્રના જેતપુરનો વિશ્વવિખ્યાત સાડી ઉદ્યોગ પણ યુદ્ધની અસરનો ભોગ બન્યો છે, સાડી ઉદ્યોગમાં વપરાતા પ્રિન્ટિંગ કલર, ફિનિશિંગ માટેના કેમિકલ્સ, પેકિંગ મટીરીયલ તેમજ ગેસ, કોલસા જેવા પેટ્રોલિયમ આધારિત તમામ રો મટીરીયલ્સના ભાવમાં 20 થી 30 ટકા જેટલો વધારો નોંધાયો છે. માત્ર ભાવ વધારો જ નહીં પરંતુ રો-મટીરીયલ્સની અછત પણ સર્જાઈ રહી છે. ખાસ કરીને કોમર્શિયલ ગેસ સિલિન્ડર ન મળતા અનેક યુનિટ બંધ થવાની કગાર પર પહોંચી ગયા છે. સીધી રીતે આશરે 80 હજાર અને આડકતરી રીતે ત્રણ લાખ જેટલા લોકોને રોજગારી આપતો જેતપુરનો સાડી ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે.
ઈરાન સામે અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લીધે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં ભારતની આયાત-નિકાસને મોટો ફટકો પડ્યો છે. ખાસ કરીને પેટ્રોલિયમ આધારિત રો મટીરિયલ્સ પર આધારિત ઉદ્યોગોને ભારે ફટકો પડી રહ્યો છે. પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં થયેલા ઉછાળા સાથે સાથે તેની અછત સર્જાતા ઉદ્યોગકારો માટે પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે. રાજકોટ જિલ્લાના જેતપુર શહેરને સાડી ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર માનવામાં આવે છે. અહીં બનેલી પ્રિન્ટેડ સાડીઓ અને વિવિધ પ્રિન્ટિંગ આઈટમ્સ વિશ્વભરના બજારોમાં પહોંચે છે અને ખાસ કરીને આફ્રિકન દેશોમાં મોટા પ્રમાણમાં એક્સપોર્ટ થાય છે. જો કે ખાડીના દેશો સાથે સીધો વેપાર ન હોવા છતાં ત્યાં ચાલી રહેલા યુદ્ધની અસર અહીંના ઉદ્યોગ પર પડી રહી છે.
જેતપુરના સાડી ઉદ્યોગમાં વપરાતા મોટાભાગના કેમિકલ્સ, કલર અને અન્ય સામગ્રી પેટ્રોલિયમ આધારિત હોવાથી તેના ભાવમાં વધારો અને સપ્લાયમાં અછત સર્જાતા ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે. તેમાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડર ઉપલબ્ધ ન થતા અનેક પ્રિન્ટિંગ અને પ્રોસેસિંગ યુનિટમાં કામકાજ અટકી ગયું છે. પરિણામે મજૂરોની રોજીરોટી પર પણ સીધી અસર પડી છે. હાલની પરિસ્થિતિ એવી બની રહી છે કે જો યુદ્ધ વધુ દિવસો સુધી ચાલશે તો જેતપુરનો સાડી ઉદ્યોગ સંપૂર્ણ રીતે ઠપ્પ થવાની સ્થિતિમાં આવી શકે છે. ઉદ્યોગકારો એવો બળાપો વ્યક્ત કરી રહ્યા છે કે, હાલની સ્થિતિ કોરોનાકાળ જેવી બની રહી છે. લોકડાઉન દરમિયાન સરકારના નિર્ણયથી ઉદ્યોગો બંધ થયા હતા, પરંતુ હાલમાં વિદેશી પરિસ્થિતિના કારણે ઉદ્યોગોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે યુદ્ધની પરિસ્થિતિના કારણે સાડી ઉદ્યોગમાં વપરાતા કાચા માલ જેવા કે કેમિકલ, કોલસો સહિતના રો મટીરીયલ્સમાં 20 થી 30 ટકા સુધીનો ભાવ વધારો થયો છે. હાલ યુનિટોમાં કામ હોવા છતાં ઉત્પાદન કરવામાં મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે.જેતપુરનો સાડી ઉદ્યોગ અંદાજે 80 હજાર જેટલા કામદારોને સીધી રોજગારી આપે છે, જ્યારે શહેર અને તાલુકામાં અનેક નાના-મોટા આનુસંગિક ઉદ્યોગો તથા વેપારીઓ પણ આ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે.પરંતુ હાલ યુદ્ધના કારણે પ્રિન્ટિંગ મશીનમાં વપરાતા એલપીજી કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો પુરવઠો બંધ થઈ જતા અનેક નાના યુનિટો બંધ થઈ ગયા છે અને મોટા ટેક્સટાઈલ એકમોમાં પણ ઉત્પાદન ખૂબ ઓછું થઈ ગયું છે. જેના કારણે જેતપુર શહેરની અર્થવ્યવસ્થા પર પણ ગંભીર અસર પડી રહી છે.


