
- દિયોદર,લાખણી અને સાંતલપુર બેઠક બિનહરીફ બની,
- 29મી એ ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ,
- 16માંથી 10 બેઠકો પર શંકરભાઈ જૂથના ઉમેદવારો બિનહરીફ
પાલનપુરઃ સૌથી મોટી ગણાતી બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં વધુ ત્રણ બેઠકો બિનહરિફ બની છે. જેમાં દિયોદર,લાખણી અને સાંતલપુર બેઠક બિનહરીફ થઈ છે. આમ કૂલ 16 ડિરેક્ટરોની ચૂંટણીમાં 10 બેઠકો બિન હરીફ બની છે. અગાઉ રાધનપુર,અમીરગઢ,ડીસા, થરાદ, સુઈગામ, ભાભર અને વાવ મળી 7 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. આ ચૂંટણીમાં ડેરીના વર્તમાન ચેરમેન શંકર ચૌધરી જુથનો દબદબો યથાવત રહ્યો છે.
બનાસ ડેરીની નિયામક મંડળની ચૂંટણીમાં કેટલીક બેઠકો પર એકથી વધુ સભ્યો ઊભા રહેતા ચૂંટણી રસપ્રદ બની હતી. કેટલીક બેઠકો પર તો ભાજપના બે જુથ આમને-સામને હતા. પણ સમજાવટ બાદ સભ્યો ફોર્મ પરત ખેંચી રહ્યા છે. ગઈકાલે બુધવારે વધુ ત્રણ દિયોદર,લાખણી અને સાંતલપુર તાલુકાની બેઠકો પણ બિનહરીફ થતાં 10 બેઠકો પર ચૂંટણી વગર જ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે. બનાસડેરીની ચૂંટણીમાં હવે બાકી રહેલી દાંતીવાડા, દાંતા, ધાનેરા,પાલનપુર,વડગામ અને કાંકરેજ બેઠકો પર બે થી વધુ ઉમેદવારોએ હજુ ફોર્મ પાછા ખેંચ્યા નથી. 29મી સપ્ટેમ્બરને સોમવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી બનાસ ડેરીના ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં દિયોદર વિભાગના ઉમેદવાર ઇશ્વરભાઇ પટેલે પોતાની ઉમેદવારી પરત ખેંચતા દિયોદરનું ચિત્ર સ્પષ્ટ થયું હતું જેમાં પ્રથમ વખત મહિલાની પસંદગી કરવામાં આવી છે જેમાં બનાસ ડેરીમાં ડિરેકટરપદે રવેલ ગામના રમીલાબેન કનુભાઈ ચૌધરીની બિન હરીફ વરણી થઈ હતી