- આજે બજારોમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી,
 - સરકારી કચેરીઓમાં પણ રજા જેવો માહોલ,
 - કાલે મંગળવારે 10.30થી ધનતેરસનું પર્વ ઊજવાશે
 
અમદાવાદઃ આજે વાધ બારસ છે. વાઘ બારસ એ વાઘ નહીં પણ વાણીનું પર્વ છે. વાઘ બારસ એ અપભ્રંશ થયેલો શબ્દ છે. વાઘ નહીં પણ વાક્ બારસ છે. વાક્ એટલે વાણી અને વાણીની દેવી મહા સરસ્વતી. એટલે લોકો દિવાળીના તહેવારોના પ્રારંભે વાક્ બારસે સરસ્વતી દેવીનું પૂજન કરતા હોય છે. આજથી દિવાળીના તહેવારોનો શુભારંભ થયો છે. અમદાવાદ સહિત તમામ શહેરોમાં આજે બજારોમાં લોકોની ખરીદી માટે ભીડ જામી હતી. કાલે મંગળવારે સવારે 10:30થી ધનતેરસનું પર્વ ઉજવાશે.
પ્રકાશનું પર્વ ગણાતા દિવાળીના તહેવારનો વાઘ બારસથી પ્રારંભ થયો છે. કાલે મંગળવારે ધન તેરસનું પર્વ ઊજવાશે. શાસ્ત્રવિદોના મતે આ વખતે 30મી ઓક્ટોબરે બપોરે 1:16થી કાળી ચૌદશ છે અને તે બીજા દિવસે બપોર સુધી રહેશે. કાળી ચૌદશ 31 ઓક્ટોબરે બપોરે પૂરી થતાં જ દિવાળીનો પ્રારંભ થઇ જશે. પહેલી નવેમ્બરના પડતર દિવસ છે જ્યારે બીજી નવેમ્બરે બેસતાં વર્ષ અને ત્રીજી નવેમ્બરે ભાઈબીજની ઉજવણી થશે. આમ, આજથી સમગ્ર માહોલ દિવાળીમય બની જશે. વાઘ બારસના પર્વમાં ગૌ પૂજાનું પણ ખાસ મહત્ત્વ છે.
અમદાવાદના તમામ બજારોમાં દિવાળી પૂર્વે છેલ્લી ઘડીએ કપડાં, મીઠાઈ, ડેકોરેટિવ ચીજવસ્તુ સહિતની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી. શહેરના ત્રણ દરવાજા, ઢાલગરવાડ, રતનપોળ, સીજી રોડ સહિતના વિસ્તારોમાં બપોરથી લઈને મોડી રાત સુધી પગ મૂકવા પણ જગ્યા મળે નહીં તેવી હકડેકઠ ભીડ જડોવા મળી હતી. શહેરના ઢાલગરવાડ, ત્રણ દરવાજામાં આજે પણ અમદાવાદની આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ખરીદીનું પ્રમાણ વધુ જોવા મળે છે. બીજી તરફ મોલમાં તેની સરખામણીએ ઓછી ભીડ જોવા મળી હતી. ખાસ કરીને યુવાનો હવે ખરીદી માટે ઓનલાઇનનો વિકલ્પ વધારે પસંદ કરી રહ્યા છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

