
આજે શ્રાવણી અમાસ, સમુદ્રમાં બિરાજમાન નિષ્કલંક મહાદેવના દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યાં
- ભાવનગર નજીક કોળિયાકના દરિયા કિનારે બે દિવસીય લોકમેળાનું સમાપન,
- ભાવિકોએ નિષ્કલંક મહાદેવજીના દર્શન કરી સમુદ્રમાં સ્નાન કર્યું,
- પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાયો
ભાવનગરઃ સૌરાષ્ટ્રભરમાં આજે શ્રાવણી અમાસના દિવસે વિવિધ સ્થળોએ લોકમેળાઓ યોજાયા હતા. જેમાં ભાવનગર શહેરના સીમાડે આવેલા કોળીયાક ગામે સમુદ્રમાં બિરાજમાન પાંડવ કાલિન ઐતિહાસિક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં છેલ્લા બે દિવસથી ચાલતા લોકભાતીગળ મેળાનું આજે સાંજે સમાપન થયુ હતું.આજે શ્રાવણી અમાસના દિને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ સમુદ્રમાં બિરાજમાન નિષ્કલંક મહાદેવના દર્શન કરી સમુદ્રમાં સ્નાન કર્યું હતું અને પોતાની જાતને ધન્ય કરી છે. સમુદ્ર કિનારે ભક્તોની ભારે ભીડ જામી હતી.
શ્રાવણી અમાસને લઈને કોળીયાક ગામે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ગત સાંજથી મેળાનો આરંભ થયો હતો અને આજે ઢળતી સાંજે આ લોકમેળાનું ભવ્ય સમાપન કરાયુ હતુ. આધ્યાત્મિક આસ્થા ધરાવતા શિવભક્તો દૂર દૂરથી ઉમટી પડયા હતાં અને સવારે નકળંગના દરિયે જાણે કિડીયારૂ ઉભરાયુ હોય એવું દ્દશ્ય જોવા મળ્યું હતું. આ વર્ષે વહેલી સવારે પાણી ઓસરવાના શરૂ થયા એ વખતે ઘોઘા બંદરેથી રાજવી પરિવારની ધજા હોડી મારફતે નિષ્કલંક મહાદેવના ઓટલે પહોંચી હતી, જેમાં રાજ પરિવારના સભ્યોએ મહાદેવની પૂજા કરી પ્રથમ ધજા ચડાવી હતી. ત્યારબાદ પાણી હટતા પોલીસે દર્શન માટે શ્રદ્ધાળુઓને લીલીઝંડી આપતાં સેંકડો લોકોનો સમુહ ઝડપભેર દર્શન કરવા આગળ વધ્યો હતો.
નિષ્કલંક મહાદેવજીના દર્શમ માટે આજે ગુજરાતભરમાંથી તેમજ પરપ્રાંતમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. આજે સાધુ-સંતોની હાજરી પણ નોંધપાત્ર જોવા મળી હતી. આ મેળાને લઈને જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, પીજીવીસીએલ, આરોગ્ય, ફાયરબ્રિગેડ સહિતના વિભાગો દ્વારા સુંદર વ્યવસ્થા-બંદોબસ્ત ગોઠવવામાં આવી હતી, મરીન પોલીસ દ્વારા પણ સમુદ્રમાં સ્પિડબોટ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું.
આ અંગે ભાવનગર સીટી ડીવાયએસપી આર.આર. સિંઘાલએ જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લાનાં કોળીયાક ગામ ખાતે આજે નિષ્કલંક મહાદેવનાં સાનિધ્યમાં ભાદરવી અમાસનો મેળો યોજાયો હતો. મેળાની મહાત્મ્ય અને શ્રદ્ધાળુઓની સંખ્યાને ધ્યાને રાખી પોલીસકર્મીઓને ફરજ પર તૈનાત કરવામાં આવ્યાં હતા. જેમાં ડી.વાય.એસ.પી., 6 પી.આઇ., 16 પી.એસ.આઇ., 240 કોન્સ્ટેબલ, 40 ટ્રાફિક બ્રિગેડ જવાનો તથા 300 હોમગાર્ડનાં જવાનો, 250 જી.આર.ડી. જવાન, 300 એસ.આર.ડી. જવાન, 6 જેટલા માઉન્ટેડ પોલીસ સહિતનાં સ્ટાફ સમગ્ર મેળાનાં સમયગાળા દરમિયાન તૈનાત કરાયા હતા.