1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટ-જેતપુર હાઈવેની ભંગાર હાલત છતાં ટોલટેક્સ વસુલાત, કોંગ્રેસ લડત આપશે
રાજકોટ-જેતપુર હાઈવેની ભંગાર હાલત છતાં ટોલટેક્સ વસુલાત, કોંગ્રેસ લડત આપશે

રાજકોટ-જેતપુર હાઈવેની ભંગાર હાલત છતાં ટોલટેક્સ વસુલાત, કોંગ્રેસ લડત આપશે

0
Social Share
  • હાઈવે પર ઠેર ઠેર ખાડાઓને લીધે ટ્રાફિકજામ સર્જાય છે,
  • રોડ નહીં તો ટોલ નહીઃ જિજ્ઞેષ મેવાણી,
  • જનતાને આંદોલનમાં જોડાવા કોંગ્રેસની હાકલ

રાજકોટઃ રાજકોટ-જેતપુર હાઈવેની બિસ્માર હાલત છે. હાઈવે પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. ખાડાને લીધે હાઈવે પર વારંવાર ટ્રાફિક જામ થાય છે. હાઈવે ભંગાર હોવા છતાંયે વાહનચાલકો પાસેથી ટોલ વસુલવામાં આવે છે. રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે (NH-27) પર વાહનચાલકો પાસેથી થતી ગેરકાયદેસર ટોલ વસૂલાત, બિસ્માર રસ્તાઓ અને કલાકોના ટ્રાફિકજામના મુદ્દે હવે હાઈ-વે હક્ક આંદોલન સમિતિએ આરપારની લડાઈનું રણશિંગુ ફૂંક્યું છે. કાલે તા. 8 જુલાઈ, 2025ના રોજ, રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ભવ્ય ઘેરાવ કાર્યક્રમ યોજાશે. જેમાં ગુજરાત કોંગ્રેસના લડાયક નેતા જીજ્ઞેશ મેવાણી, લાલજી દેસાઈ અને પાલ આંબલીયા વગેરે જોડાશે.

રાજકોટ જેતપુર નેશનલ હાઈવેની હાલત બિસ્માર છે. હાઈવે જર્જરિત હોવા છતાંયે વાહનચાલકો પાસેથી ટોલ ઉઘરાવવામાં આવી રહ્યો છે. ત્યારે રોડ નહીં તો ટોલ નહીંનું સૂત્ર આપીને કોંગ્રેસ દ્વારા લડત અપાશે. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ એક વીડિયો જાહેર કરીને આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે. અને જણાવ્યું છે કે, આ લડાઈ હવે ફક્ત રસ્તા પૂરતી સીમિત નથી, પરંતુ જનતાના હક્કની લડાઈ બની ગઈ છે.

મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, બિસ્માર હાઈવેથી કંટાળેલા લોકો લડતને ખૂબ તાકાતથી ઉપાડી રહ્યા છે. મે જાતે હાઈ-વેની સ્થિતિનું નિરીક્ષણ કર્યુ છે. આટલું ખાડે ગયેલું તંત્ર કોઈ પણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં. મીડિયા સતત મુદ્દો ઉપાડતું હોય, વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી પ્રશ્નો ઉઠાવતી હોય અને રાજકોટના જાગૃત નાગરિકો વીડિયો બનાવીને મીડિયાને ફોરવર્ડ કરતા હોય છતાં તંત્રના પેટનું પાણી ન હલે, તે કોઈપણ સંજોગોમાં ચાલશે નહીં. તેમનો સ્પષ્ટ નારો છે: “રોડ નહીં તો ટોલ નહીં!”

મેવાણીએ રાજકોટવાસીઓને અપીલ કરતા કહ્યું કે, જેમ અગ્નિકાંડના પીડિતો માટે આપણે બધા જ્ઞાતિ, ધર્મ, રાજકીય પક્ષો બધું મૂકીને એક નાગરિક તરીકે, એક રાજકોટવાસી તરીકે લડ્યા હતા, તે જ પ્રમાણે “રોડ નહીં તો ટોલ નહીં” આંદોલનમાં પણ સૌએ સાથે મળીને જોડાવું પડશે. જો આમ કરીશું તો જ હવે આપણને કંઈ પરિણામ મળશે. તો વધુમાં વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાય તેવી મારી અપીલ છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code