
જુબિન ગર્ગ મોત કેસમાં ઉચ્ચ પોલીસ અધિકારી અને જુબિનના પિતરાઈ ભાઈ સંદીપન ગર્ગની ધરપકડ
- તપાસનીશ એજન્સીએ તપાસનો ધમધમાટ તેજ કર્યો
- પોલીસની તપાસમાં થયાં ચોંકાવનારા ખુલાસા
- અત્યાર સુધીમાં કેસમાં 5ની ધરપકડ કરાઈ
નવી દિલ્હીઃ અસમના ગાયક જુબિન ગર્ગના અપમૃત્યુ કેસની તપાસમાં દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. સીઆઈડીએ આ પ્રકરણમાં ગાયકના પિતરાઈ ભાઈ સંદીપન ગર્ગની ધરપકડ કરી છે. સંદીપન ગર્ગ અસમ પોલીસ સેવા (એપીએસ)ના અધિકારી છે. જુબિન સાથે જ્યારે ઘટના બની ત્યારે તે ત્યાં હોવાનું મનાય છે. સીઆઈડીએ અત્યાર સુધીમાં આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરી છે. તપાસનીશ એજન્સીના ઉચ્ચ અધિકારી મુન્ના પ્રસાદ ગુપ્તાએ જણાવ્યું હતું કે, અસમ પોલીસની એસઆઈટી-સીઆઈડીએ જુબિન ગર્ગ કેસમાં એપીએસ અધિકારી સંદીપન ગર્ગની ધરપકડ કરી છે.
તપાસનીશ એજન્સીએ જુબિન ગર્ગ મોત કેસમાં અત્યાર સુધીમાં પાંચ લોકોની ધરપકડ કરી છે. જેમાં કાર્યક્રમના આયોજક શ્યામકનુ મહંત, જુબિનના મેનેજર સિદ્ધાર્થ શર્મા, તેના બેન્ડમેટ શેખર જ્યોતિ ગોસ્વામી, સહ-ગાયક અમૃતપ્રવા મહંત અને હવે તેના ભાઈ એપીએસ અધિકારી સંદીપન ગર્ગનો સમાવેશ થાય છે. સીએમ હિમંત બિસ્વા સરમાએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જુબિન ગર્ગની મોતને લઈને ભડાવનાર સામે સરકાર પોલીસ કેસ નોંધાવશે અને તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. કેટલાક લોકો અસમને નેપાલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આવા લોકોને કોઈ પણ કિંમતે છોડવામાં નહીં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જુનિય ગર્ગ મોત કેસમાં આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. પોલીસ દ્વારા સંદીપન ગર્ગની પૂછપરછ કરવામાં આવી છે. આગામી દિવસોમાં અન્ય શખ્સોની ધરપકડની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.