
- હાઈવે પર વાહનોના અણઘડ પાર્કિંગને લીધે અકસ્માતોના બનાવો બને છે,
- 35 વાહનોને ઈ-ચલણ આપીને દંડ ફટકાર્યો,
- બે ભારદારી વાહનોને ડિટેઈન કરાયા
વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા નજીક બનતા અકસ્માતોના બનાવોમાં હાઈવે પર આડેધડ પાર્ક કરાતા વાહનો પણ જવાબદાર હોય પોલીસ અને આરટીઓ દ્વારા સયુંક્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં કુલ 2 ભારદારી વાહનો ડિટેઈન, કુલ-35 ભારદારી વાહનોને ઈ-ચલણ તેમજ કુલ 10 ભારદારી વાહનોને સમાધાન સુલ્કની પાવતી આપી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી
વડોદરા શહેર પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર પારાવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. હાઈવે પર પાર્ક કરેલા વાહનોને લીધે અકસ્માતોના બનાવો વધી રહ્યાની ફરિયાદો ઊઠતા ટ્રાફિક પોલીસ અને RTO દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરી નેશનલ હાઈવે પર અડચણરૂપ વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ટ્રાફિક શાખાના કર્મચારીઓ તેમજ RTO ઈન્સ્પેક્ટર વી.એમ.ચૌધરી તેમજ વી.પી.ચૌધરીને સાથે રાખી દુમાડબ્રિજથી દેણાબ્રિજ સુધી અડચણરૂપ પાર્ક કરતાં વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઝુંબેશ દરમિયાન નેશનલ હાઈવે 48 ઉપર દુમાડબ્રિજથી દેણાબ્રિજ સુધી રોડ ઉપર અડચણરૂપ તેમજ અન્યના જીવને જોખમમાં મુકે તે રીતે રોડ ઉપર પાર્ક કરતાં ભારદારી વાહનચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસ દ્રારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કુલ 2 ભારદારી વાહનો ડિટેઈન, કુલ-35 ભારદારી વાહનોને ઈ-ચલણ તેમજ કુલ 10 ભારદારી વાહનોને સમાધાન સુલ્કની પાવતી આપી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ બીજીવાર નેશનલ હાઈવે ઉપર કે અન્ય જગ્યાએ અડચણરૂપ વાહનો પાર્ક ન કરવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી.