
- નજીકનો કોઈ વૈકલ્પિક માર્ગ ન હોવાથી લોકોને 60 કિમીનું ચક્કર ન કાપવું પડે છે,
- લોકો નાવડીમાં બેસીને નદીપાર કરી રહ્યા છે,
- માછીમારો બોટમાં વધુ લોકોને બેસાડતા હોવાતી દૂર્ઘટનાની શક્યતા
પાદરાઃ મહિસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડતા 21 લોકોનો ભોગ લેવાયો હતો. આ બ્રિજ તૂટી પડતા મહીસાગરના કાંઠા વિસ્તારના લોકોને નદી પાર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કારણ કે કોઈ નજીકનો વૈકલ્પિક માર્ગ નથી. અને 60 કિલોમીટરનું ચક્કર કાપવું પડે છે. આથી લોકોએ શોર્ટ માર્ગ શોધી દીધો છે. માછીમારોની બોટમાં લોકો નદી પાર કરી રહ્યા છે. માછીમારો પણ પણ બોટમાં વધુ લોકોને બેસાડતા હોવાથી દૂર્ઘટના થવાનો ભય છે.
પાદરા નજીકનો મહિસાગર પરનો ગંભીરા બ્રિજ તૂટી ગયા બાદ પુલ નીચે મહીસાગર નદીમાં હવે હોળી દુર્ઘટના બને તેવી દહેશત સેવાઇ રહી છે. ગંભીરા બ્રિજ તૂટી જતા ગંભીરાથી પાદરા જવા માટે લોકોએ રસ્તા માર્ગે 60 કિમીનો ચકરાવો લેવો પડે તેમ છે. જેથી નોકરી -ધંધાર્થે જવા માટે એક માત્ર મહિસાગર નદી વિકલ્પ હોવાના કારણે લોકો નાવડીમાં જીવના જોખમે જવા મજબૂર બન્યા છે.ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે મુસાફર બોટ, સેફ્ટી જેકેટ જેવી સુવિધા પૂરી પાડવામાં નહીં આવે તો મોટી બોટ દુર્ઘટના થવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. માછીમારી માટે ઉપયોગમાં લેવાતી નાવડીની મદદથી મુસાફરોને એક કિનારાથી બીજા કિનારે લઇ જતા નાવિકો અને આવન જાવન કરતા લોકો તંત્ર પાસે સુવિધા પૂરી પાડવા માંગ કરી રહ્યા છે.
વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા પાદરા તાલુકાના મુજપુર અને ગંભીરા બ્રિજ તૂટી જવાની દુર્ઘટનાને 19 દિવસ પૂરા થયા છે. તંત્ર દ્વારા માત્ર વહીવટી કામગીરી ઉપર ધ્યાન આપી રહ્યા છે. પરંતુ પાદરા અને આણંદ જિલ્લાના મહીસાગર નદી કાંઠાના લોકોને આવન જાવન માટે પડી રહેલી મુશ્કેલી અંગે કોઈ ધ્યાન આપવામાં ન આવતા લોકોમાં હવે રોષ ભભૂકી ઉઠ્યો છે.
ગ્રામજનોના કહેવા મુજબ મહીસાગર કાંઠાના પાદરા તાલુકાના ગામો તેમજ આણંદ જિલ્લાના મહી કાંઠાના ગામોના લોકો નોકરી ધંધા માટે પાદરાથી આણંદ જિલ્લામાં અને આણંદ જિલ્લામાંથી પાદરા તાલુકામાં મહી નદીમાં માછીમારીની નાવડીઓ દ્વારા કોઈપણ જાતના સેફ્ટીના સાધનો પહેર્યા વગર જીવના જોખમે આવવા મજબૂર બન્યા છે. નોકરી -ધંધા માટે આવન – જાવન કરતા આ મુસાફરોને નાવડી દ્વારા માછીમારીનો વ્યવસાય કરતા નાવિકો સેવા પૂરી પાડી રહ્યા છે. હાલ ચોમાસાની મોસમ શરૂ હોવાના કારણે નદી પણ બે કાંઠે છે. અને અમાસ તેમજ પૂનમના દિવસે ભરતી આવતી હોવાથી પાણીનો પ્રવાહ પણ વધુ રહેતો હોવાના કારણે નાવીકો પણ ભયના ઓથાર નીચે મુસાફરોને એક કિનારાથી બીજા કિનારે લઇ જઈ રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા સુરક્ષિત વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી છે.