
ગુજરાતમાં બપોર સુધીમાં 155 તાલુકામાં વરસાદ, દસ્ક્રોઈમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ
- મહેમદાવાદમાં 7 ઈંચથી વધુ અને માતરમાં 6 ઈંચ, કઠલાલમાં 4 ઈંચ વરસાદ,
- સિદ્ધપુરમાં માર્ગો પર કેડસમા પાણી ભરાયા,
- પાલનપુર-છાપી હાઈવે પર ગાડીઓ ડૂબી, સતલાસણામાં ટ્રેક્ટર તણાયું
અમદાવાદઃ ગુજરાતમાં ફરીવાર વરસાદી માહોલ જામ્યો છે. આજે બપોરના 2 વાગ્યા સુધીમાં 155 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં અમદાવાદના દસ્ક્રોઈમાં સવારથી બપોર સુધીમાં 9 ઈંચથી વધુ વરસાદ પડતા અનેક વિસ્તારો જળબંબોળ બન્યા છે. જ્યારે મહેમદાવાદમાં 7 ઈંચથી વધુ, માતરમાં 6 ઈંચથી વધુ. કઠલાલમાં 4 ચાર ઈંચ, તથા નડિયાદ, ભીલોડા, અને ઉમરેઠમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાતા સૂર્ય નારાયણના દર્શન પણ થઈ શક્યા ન હતા. દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વરસાદની પરિસ્થિતિની જાત માહિતી મેળવવા ઓચિંતા આજે સવારે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલરૂમની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે સુરેન્દ્રનગર, પાટણ, અરવલ્લી, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા સાબરકાંઠા, અને ખેડાના જિલ્લા કલેકટરો સાથે ટેલીફોનિક વાતચીત કરીને તેમના જિલ્લામાં વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવી હતી .
મુખ્યમંત્રીએ તમામ જિલ્લા કલેકટરોને એલર્ટ મોડ પર રહીને વરસાદી સ્થિતિ પર સતત નજર રાખવા અને સમગ્ર વહીવટી તંત્ર ને સતર્ક રહી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે સંપર્કમાં રહી જિલ્લાની સ્થિતિથી વાકેફ રાખવા સૂચના આપી હતી
ગુજરાતમાં ગઈરાતથી શરૂ થયેલો વરસાદ આજે રવિવારે બપોર સુધી યથાવત રહ્યો હતો. આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેથી અમદાવાદના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. અમદાવાદમાં માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાયા છે. જેથી BRTS અને AMTS બસ પણ પાણીમાં ફસાઈ હતી. તો પાલનપુર-છાપી હાઈવે પર ગાડીઓ ડૂબવા લાગી હતી. તેમજ મહેસાણાના સતલાસણામાં ટ્રેક્ટર તણાયું હતું.
આજે સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં રાજ્યના 155 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ અમદાવાદમાં દસ્ક્રોઇમાં પોણા 9 ઇંચ, મહેમદાવાદમાં સવા 7 ઇંચ, કઠલાલ અને નડિયાદમાં પોણા ચાર ઇંચ તેમજ માતરમાં 6 ઇંચ વરસાદ વરસ્યો હતો. તેમજ આજે રાજ્યના 51 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં 16 જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ અત્યાર સુધીમાં મેઘરાજાએ સમગ્ર ગુજરાતને કવર કરી લીધું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસને લઈને વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ 1 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આજે અરવલ્લી, મહીસાગર અને સાબરકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદની પગલે નર્મદા ડેમમાં પાણીની આવક વધી રહી છે. મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમમાંથી 2.62 લાખ ક્યુસેક પાણી છોડવાની શક્યતા છે, જેના કારણે ઓમકારેશ્વર ડેમ એલર્ટ મોડપર છે.