1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે ખોડલધામ મંદિરમાં દર્શન કરી ધ્વજારોહણ કર્યું
યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે ખોડલધામ મંદિરમાં દર્શન કરી ધ્વજારોહણ કર્યું

યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે ખોડલધામ મંદિરમાં દર્શન કરી ધ્વજારોહણ કર્યું

0
Social Share
  • ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સહિતના આગેવાનોએ આનંદીબેનને ઉષ્માભેર આવકાર્યા,
  • ટ્રસ્ટની ભાવિ યોજનાઓ અને સામાજિક કાર્યો અંગે આનંદીબેન પટેલ સાથે ચર્ચા-વિચારણા કરી,

રાજકોટઃ શહેર નજીક આવેલા કાગવડ સ્થિત ખોડલધામ મંદિર ખાતે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મંદિરની મુલાકાત લીધી હતી અને મા ખોડલના દર્શન, પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. તથા તેમના પુત્રી અનારબેન પટેલ પણ જોડાયા હતા. આ પ્રસંગે ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ સહિતના આગેવાનોએ તેમને ઉષ્માભેર આવકાર્યા હતા.

કાગવડ સ્થિત ખોડલધામ મંદિરમાં દર્શન કર્યા બાદ આનંદીબેન પટેલ અને તેમના પુત્રીના હસ્તે માતાજીના મંદિરના શિખર પર ધ્વજારોહણ કરી વૈદિક મંત્રોચ્ચાર અને જયઘોષ વચ્ચે તેમણે મા ખોડલની ધ્વજા ચડાવાનો લહાવો લીધો હતો. આનંદીબેન પટેલની આ મુલાકાતને નરેશભાઈ પટેલે પ્રેરણાદાયી ગણાવી હતી. તેમણે ટ્રસ્ટની ભાવિ યોજનાઓ અને સામાજિક કાર્યો અંગે આનંદીબેન પટેલ સાથે ચર્ચા-વિચારણા કરી હતી. આ પ્રસંગે અન્ય ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આનંદીબેન પટેલ પરિવાર સાથે ખોડલધામના દર્શન કરીને પરત ફરતા હતા. ત્યારે રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડે આનંદીબેનના કાર્યક્રમમાં ફેરફાર કરાવ્યો હતો. રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભ દુધાત્રા અને તેના પરિવાર તરફથી આનંદીબેનને તેમના ઘર નજીક સ્વાગત કરવાનો મોકો આપવાની વિનંતી કરવામાં આવી હતી, આનંદીબેને આમંત્રણ સ્વીકાર્યું હતું, પરંતુ પોતાને વહેલીતકે અમદાવાદ પહોંચવાનું હોવાથી અને સુરક્ષામાં મોટો કાફલો હોવાથી ઘરે આવવાને બદલે દુધાત્રાના ઘર નજીક આવતાં હાઇવે પર પુષ્પગુચ્છ સ્વીકારશે તેવો કાર્યક્રમ નક્કી કર્યો હતો. પણ ઘરે આવો તેવી વિનંતી સાથેની જીદ પકડતાં અંતે આનંદીબેન અને તેમનો સુરક્ષાનો કાફલો પાણીના ઘોડા પાસે આવેલા વલ્લભ દુધાત્રાના ઘર પાસે પહોંચ્યો હતો. અને આનંદીબેન કારમાંથી નીચે ઉતર્યા નહોતા અને કારમાં બેઠા બેઠા જ તેમણે ધારાસભ્ય ઉદય કાનગડ પાસેથી બુકે સ્વીકારી લીધું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code