
- પાણિયારી ધોધનો નજારો માણવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે,
- ધોધ ઉપર યુવક ડૂબવાનો વીડિયો વાયરલ થયા બાદ પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો,
- વડગામ પોલીસે જુલાઈથી નવેમ્બર સુધી પ્રવાસીઓના પ્રવેશ પર રોક લગાવી
પાલનપુરઃ બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે નદી-નાળા છલકાયા છે. છેલ્લા પખવાડિયાથી વરસાદી માહોલ સર્જાયો છે. ભારે વરસાદના કારણે વાવ તાલુકામાં આવેલો પાણિયારી ધોધ જીવંત બન્યો છે, અને સુંદર ધોધના નજારાને માણવા માટે અનેક લોકો આવી રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા ઘોઘ પરથી એક યુવાનનો ડુબવાનો વિડિયો વાયરલ થયો હતો. આથી વડગામ પોલીસે જુલાઈથી નવેમ્બર સુધી પ્રવાસીઓના પ્રવેશ પર રોક લગાવી દીધી છે.
ચોમાસાની શરૂઆતથી જ ગુજરાતભરમાં મેઘમહેર જોવા મળી રહી છે. પરંતુ, છેલ્લાં ઘણાં દિવસથી ઉત્તર ગુજરાતમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. અતિભારે વરસાદના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી. આ સિવાય લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો. જોકે, આ વરસાદના કારણે બનાસકાંઠાના પાણિયારી ધોધ જીવંત બનતા લોકો સુંદર ધોધના નજારાને માણવા આવી રહ્યા હતા. દરમિયાન પાણિયારી ધોધ જોખમી બનતા મામલતદાર દ્વારા પ્રવાસીઓની મુલાકાત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કોઈપણ મોટી દુર્ઘટનાને ટાળવા માટે આવનારા 5 મહિના સુધી પાણિયારી ધોધને ભયજનક જણાવી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ આદેશનું ઉલ્લંઘન ન થાય તે માટે તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ધોધ પાસે પૂરતો પોલીસ બંદોબસ્ત મૂકવામાાં આવ્યો છે. જેના કારણે પ્રવાસીઓ ધોધમાં નહાવા માટે જઈ શકશે નહીં
સૂત્રોના કહેવા મુજબ થોડા દિવસ પહેલાં એક યુવાન પાણિયારી ધોધમાં નહાતી વખતે ડૂબવાની ઘટના બની હતી. યુવાનને તરતા ન આવડતું હોવાથી તે ડૂબવા લાગ્યો હતો અને ત્યારબાદ તેને ટ્રેક્ટરમાં સુવડાવીને મુમનવાસ ગામે એમ્બ્યુલન્સમાં પાલનપુર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. થોડા સમય બાદ સ્થિતિમાં સુધારો ન થતા તેને પ્રાઇવેટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને આ વિશે હુકમ કર્યો છે. જેમાં બનાસકાંઠાના વડગામ તાલુકામાં આવેલા મુકતેશ્વર ડેમ અને પાણિયારી ધોધ ખાતે કોઈપણ વ્યકિત/પ્રવાસીઓએ પ્રવેશ ન કરવા બાબતે 1 જુલાઈથી થી 30 નવેમ્બર સુધી પ્રતિબંધ મુકવા હુકમ કર્યો છે.