
- નો રોડ – નો ટોલના નારા સાથે હડતાળનું એલાન કરાયું,
- કચ્છમાં હાઈવે પર ચાર સ્થળોએ ટોલ લેવાય છે, પરંતુ રોડની હાલત બિસ્માર છે,
- ગાંધીધામમાં તમામ ટ્રાન્સપોર્ટર સંગઠનોની બેઠકમાં સંયુક્ત નિર્ણય લેવાયો
ભૂજઃ કચ્છમાં નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડાં પડ્યા છે. ખાડાંઓને લીધે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. અને વાહનોને પણ નુકશાન થઈ રહ્યું છે. હાઈવે પર ચાર ટોલનાકા આવેલા છે. અને લાખો રૂપિયાનો ટોલ ઉઘરાવવામાં આવે છે. છતાંયે હાઈવેની હાલત બિસ્માર બની છે. આ અંગે હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પણ નિષ્ક્રિય છે. ત્યારે કચ્છ જિલ્લાના તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનોએ 10મી સપ્ટેમ્બરે હડતાળનું એલાન આપ્યું છે.
કચ્છ જિલ્લાના તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, કચ્છમાં લાંબા સમયથી ખરાબ રોડ હોવા છતાં ટોલ ટેકસ લેવામાં આવે છે, તેના વિરુધ્ધમાં ‘નો રોડ-નો ટોલ’ ની લડત આપીને આગામી 10મી સપ્ટેમ્બરના સ્વૈચ્છિક રીતે નો રોડ નો ટોલના નારા સાથે બંધનું એલાન કર્યું હતું. 10મી સપ્ટેમ્બરે ભારે વાહનો કચ્છમાં આવેલા મોખા ચોકડી, સુરજબારી, સામખિયાળી અને મુંદ્રા સહિત ચારેય ટોલ ટેક્સ પર ટોલની ભરપાઈ ન કરીને વિરોધ નોંધાવશે. જો ટોલ ભર્યા વગર ટ્રકોને જાવા નહી દેવાય તો વાહનને ત્યાં થોભાવી દેવાશે.
ગાંધીધામના બસ સ્ટેશન પાસે આવેલી ટ્રાન્સપોર્ટ એસોસીએશનની કચેરીએ ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા તમામ સંગઠનો અને આગેવાનોની બેઠક મળી હતી. જેમાં આગામી 10મી સપ્ટેમ્બરના કચ્છભરમાં તમામ પ્રકારના ભારે વાહનોની કામગીરીને સ્વૈચ્છિક રીતે થોભાવી દેવાનો નિર્ણય લેવાયો હતો.
સંગઠનના સુત્રોએ જણાવ્યું કે નેશનલ હાઇવે ઓથોરિટી, કચ્છ કલેકટર,પોલીસ અધિક્ષક, સબંધિત અધિકારીઓને ઘણી વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હોવા છતાં આજદિન સુધી કચ્છનો એકપણ રોડ ટ્રાન્સપોર્ટ યોગ્ય સુદ્રઢ કરાયો નથી. જેથી ગાંધીધામ ખાતે કચ્છ જિલ્લાના તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની યોજાયેલી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે જ્યાં સુધી કચ્છના તમામ રોડ નવા નહીં બને ત્યાં સુધી આગામી 10/9થી કચ્છના તમામ ટોલ ટેકસ પર ટોલ ચૂકવવામા આવશે નહીં, સાથે ‘નો રોડ નો ટોલ’ ની મુહિમ ચાલુ થશે અને ઉગ્ર આંદોલન આદરવામાં આવશે. આ બેઠકમાં શિવજી એચ આહિર, રાજેશ છાંગા, રમેશ આહિર, ઈન્દ્રજીત સિંહ, જયેશ રાજદે, દીપક આહીર, નીતીન આહીર, રામજી આહીર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.