સુરેન્દ્રનગર, 7 એપ્રિલ 2026: Two killed as car collides with truck અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ સાયલા નજીક સર્જાયો હતો. સાયલા પાસે હાઈવે પર આવેલી એક હોટલની સામે પાર્ક કરેલી ટ્રક પાછળ કાર અથડાતા કારમાં સવાર મોરબીના છનાળા ગામના પ્રાચીન શકિત ચામુંડા ધામના મહંત, તેમના પત્નીનું મોત થયું હતું. પુરપાટ જતી કાર હાઇવેથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાયલાથી 2 કિલોમીટર દૂર આવેલા ગોપી હોટલના મેદાનમાં ટ્રક ઉભી રાખીને ટ્રક ચાલક અને ક્લિનર હોટલમાં જમી રહ્યા હતા. દરમિયાન અમદાવાદ તરફથી મોરબી તરફ જઈ રહેલી કારનાચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને રોડથી અંદાજિત 15 ફૂટ દૂર ઊભેલા ટ્રકની પાછળ કારનો અકસ્માત સર્જાયો હતો. ધડાકાભેર થયેલા અકસ્માતને કારણે હોટલમાં કામ કરતા લોકો દોડી આવી બચાવ કાર્ય શરૂ કર્યું હતું. આ બાબતે સાયલા 108ની જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી. ટ્રકની પાછળ ગમખ્વાર અકસ્માતમાં કારચાલકનું મોત થયું હતું અને તેની બાજુમાં બેઠેલા તેમના પત્નીને વધુ સારવાર મળે તે પહેલા મોત થયું હતું.
સાયલા પોલીસે અકસ્માતના બનાવની તપાસ કરતા કારમાં સવાર મોરબીના છનાળાના શક્તિ ચામુંડા ધામના મહંત રાહુલગીરી નૌતમગીરી ગૌસ્વામી 42 અને તેમના પત્ની વૈશાલીબેન 36 હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે બંને મૃતદેહને પીએમ માટે મોકલી આપીને તેમના પરિવારજનોને જાણ કરતા સાયલા આવવા માટે રવાના થયા હતા. મહંત, તેમના પત્નીના મોતના સમાચારથી પરિવારજનોમાં આક્રંદ જોવા મળ્યો હતો. મહંત પરિવારમાં 19 વર્ષની દીકરી શ્રુતિ અને 15 વર્ષની સાક્ષી તેમજ 13 વર્ષનો દીકરો ભવ્યગીરી મા બાપની છત્ર છાયા ગુમાવતા પરિવારજનોમાં શોકની લાગણી જોવા મળી હતી.


