પાલનપુર, 17 માર્ચ 2026: Speeding car hits tree બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ દાંતીવાડાના ઓઢવા ગામ નજીક સર્જાયો હતો. પૂરફાટ ઝડપે કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતા કારમાં ભીષણ આગ લાગી હતી, જેમાં કારમાં સવાર બે વ્યક્તિના મોત થયા હતા. મૃતકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.
આ બનાવની વિગત એવી છે કે, બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામની સીમમાં વહેલી સવારે. પૂરપાટ ઝડપે જતી એક કાર અચાનક ચાલકે કાબૂ ગુમાવતા માર્ગની સાઈડમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે અથડાતાની સાથે જ કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. કાર અગનગોળો બની જતાં તેમાં સવાર બે વ્યક્તિઓ જીવતા ભુંજાઈ ગયા હતા. હાલમાં મૃતકોના શરીર સંપૂર્ણપણે બળી ગયા હોવાથી તેમની ઓળખ કરવામાં પોલીસને મુશ્કેલી પડી રહી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ આ અકસ્માત આજે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં ઓઢવા રોડ પર સર્જાયો હતો. કાર ઝાડ સાથે અથડાતા જ તેમાં પ્રચંડ આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે મુસાફરોને બચવાની કોઈ તક મળી નહોતી. ઘટનાની ગંભીરતા જોતા ફાયર ફાઈટરની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી, પરંતુ ત્યાં સુધીમાં કાર બળીને ખાક થઈ ગઈ હતી. દાંતીવાડા પોલીસે હાલ ઘટનાસ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી મૃતકોના વાલીવારસોની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર બંને વ્યક્તિઓ આગની લપેટમાં આવી જતાં તેમનો કરુણ મોત નીપજ્યું હતું. આગની પ્રચંડ તીવ્રતાના કારણે મૃતદેહો સંપૂર્ણપણે બળી ગયા હોવાથી પ્રાથમિક તબક્કે તેમની ઓળખ કરવી અશક્ય બની છે. મધરાતે હાઈવે પર સર્જાયેલા આ અકસ્માતમાં આસપાસ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે, તેમજ કારના અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે મૃતકોની ઓળખ સ્થાપિત કરવા ચક્રો ગતિમાન કર્યા છે.


