
- 17 વર્ષીય દીકરાને તેની માતાએ નવુ સ્કૂટર લઈ આપ્યુ હતુ
- યુવાન પોતાની નાની લઈને ખોડિયાર મંદિરે દર્શન માટે ગયો હતો
- પરત ફરતી વખતે ટ્રકે સ્કૂટરને અડફેટે લીધુ
રાજકોટઃ શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતા એક માતાએ પોતાના 17 વર્ષીય પૂત્રને નવુ સ્કૂટર લઈ આપ્યુ હતુ. અને સ્કૂટર લઈને પૂત્ર પોતાના નાનીને બેસાડીને મોટેલ ગામે ખોડિયાર માતાજીના દર્શન માટે ગયો હતો. જ્યાંથી પરત ફરતા વાંકાનેર હાઈવે પર વઘાસિયા ટોલનાકા પાસે પૂરફાટ ઝડપે આવેલી ટ્રકે સ્કૂટરને અડફેટે લીધુ હતું. આ અકસ્માતમાં સ્કૂટરસવાર બન્નેના મોત નિપજ્યા હતા.
રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતા 17 વર્ષીય રિકી કવાને તેની માતા બીજલબેને નવું એક્સેસ સ્કૂટર લઈ આપ્યું હતું. રિકી પોતાના નાની ગુલાબબેન પરમાર (ઉં.વ.70)ને સ્કૂટરમાં લઈને વાંકાનેર તાલુકાના માટેલ ગામે ખોડિયાર મંદિરે દર્શન કરવા ગયો હતો. તેમની સાથે રિકીના મામા પૂર્વેશભાઈ પરમાર પણ પોતાના પરિવાર સાથે બાઈક પર આવ્યા હતા. માટેલથી પરત ફરતી વખતે બપોરે સવા બે વાગ્યે વાંકાનેર નજીક વઘાસીયા ટોલનાકા પાસે વૃંદાવન હોટલની સામે એક ટ્રકે સ્કૂટરને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં રિકીને મોઢા, નાક અને કાનના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ગુલાબબેનને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. બંનેને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા.
મૃતક ગુલાબબેનના દીકરા પૂર્વેશભાઈએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ટ્રક (નંબર RJ14 GL 8981)ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે.