
- બન્ને મહિલાએ હરણી બોટકાંટમાં ન્યાયની માગણી કરી હતી
- એજન્ડા અને પ્રી-પ્લાન સાથે આવ્યા હોય તો પણ પછી મળવાનું સીએમએ કહ્યું
- ક્રાઈમ બ્રાન્ચે બન્ને મહિલા અને તેના પતિની અટકાયત કર્યા બાદ મુક્ત કર્યા
વડોદરાઃ શહેરમાં આજે દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 1156 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્તનો કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીના ચાલુ કાર્યક્રમમાં હરણી બોટકાંડની બે પીડિત મહિલાઓ મુખ્યમંત્રીને બૂમો પાડીને પોતાની રજૂઆત કરવા લાગી હતી. દરમિયાન સુરક્ષાકર્મીઓએ બળજબરીપૂર્વક ધક્કા મારીને બહાર કાઢી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ક્રોધિત થઈને તેમને ચોક્કસ એજન્ડા થકી આવી હોવાનું કહીને બેસી જવાનું કહ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આવા વલણ સામે પોતાનો આક્રંદ વ્યક્ત કરતા પીડિતાએ કહ્યું કે, ‘શું અમે આતંકવાદી છીએ? શું અમે ગુનેગારો છીએ? અમારો વાંક એટલો જ છે કે અમે અમારા બાળકો ગુમાવ્યા છે.
વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતાં ત્યારે અચાનક બે મહિલા ઊભી થઈને હરણી બોટકાંડ અને આવાસ મુદ્દે ઉગ્ર રજૂઆત કરવા લાગી હતી. આ મહિલાઓની રજૂઆત સાંભળવાને બદલે ભૂપેન્દ્ર પટેલે સીધો તેમના પર આક્ષેપ લગાવ્યો કે, ‘તમે સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો બેન, એવું ન હોઈ શકે, એવી રીતે વાત ન થાય, પછી મળી જજો.’ જોકે, સામે મહિલાઓએ તુરંત કહ્યું કે, ‘અમે શાંતિથી મળવા માંગતા હતાં, દોઢ વર્ષથી ધક્કા ખાઈએ છીએ પરંતુ કોઈ અમને મળવા નથી દેતું.’ આ મહિલાઓ બોલતી હતી ત્યારે સુરક્ષાકર્મીઓ અને મહિલા પોલીસના સ્ટાફે મહિલાનું મોઢું દબાવી તેમને બોલતા રોકવામાં આવ્યા અને પછી બંને મહિલાઓને હોલની બહાર લઈ જવાઈ હતી. આ દરમિયાન બંને મહિલા અને તેમના પતિની ક્રાઈમ બ્રાન્ચે અટકાયત પણ કરી હતી. બાદમાં પૂછપરછ કરીને તેમને મુક્ત પણ કરી દેવાઈ હતી.
સામાન્ય રીતે મુખ્યમંત્રીનો કોઈ પણ નિર્ધારિત કાર્યક્રમ હોય ત્યારે સ્ટેટ IB એક્ટિવ થઈ જતી હોય છે. સુરક્ષાથી લઇને કોઈ પણ વિવાદ ના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આ માટે આમંત્રિત મહેમાનોનું લિસ્ટ પણ તપાસવામાં આવે છે. ત્યારે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હરણી બોટકાંડના પીડિત પહોંચી જાય અને તે પણ છેલ્લા ઘણા સમયથી વિરોધ કરતા હોય તે અને તે પણ ચાલુ કાર્યક્રમે મુખ્યમંત્રી સમક્ષ ન્યાયની માગ કરે. ત્યારે ચોક્કસથી આ મામલે IB ફેલ ગઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.