
- રાજ્યમાં 110 માર્ગો માટે કુલ રૂ. 651.96 લાખનો ખર્ચ કરાયો
- અબડાસા તાલુકામાં 43 કિ.મીના માર્ગોના કામો પૂર્ણ કરાયા
- કચ્છમાં એક લાખ કરોડના રોકાણ સાથે ૫ લાખ યુવાનોને રોજગારી ઉપલબ્ધ
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કચ્છ જિલ્લો પ્રવાસન,ઉદ્યોગ અને ઐતિહાસિક સ્થળો સહિત તમામ ક્ષેત્રે ભારતમાં આગવું સ્થાન ધરાવે છે. જેના પરિણામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ તા. 31 ડિસેમ્બર 2024ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં 110 માર્ગના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. આ માટે કુલ રૂ. 651,96 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે તેમ, વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપતાં માર્ગ અને મકાન વિભાગ વતી રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું.
રાજ્ય મંત્રી વિશ્વકર્માએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે,કચ્છ જિલ્લો ગુજરાતનો 22.93 ટકા વિસ્તાર ધરાવતો સૌથી મોટો જિલ્લો છે, તેમાં પણ અબડાસા સૌથી મોટો મત વિસ્તાર ધરાવતો છે, જેમાં પ્રતિ ચોરસ કિ.મી માત્ર 47 લોકો વસે છે. આ તાલુકામાં 43 કિ.મીના માર્ગોના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે જ્યારે 209 કામોનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત 160 કામોને તાંત્રિક મંજૂરી આપી દેવામાં આવી છે જે રાજ્ય સરકારની કચ્છના સર્વાંગી વિકાસની ઈચ્છા શક્તિ દર્શાવે છે.
તેમણે કહ્યું હતું કે, ‘કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા’ આ ટેગ લાઈન આજે સમગ્ર ભારતને ટેગ લાઈન બની છે. કચ્છમાં વર્ષ 2001માં ભૂકંપ પહેલા માત્ર અંદાજે 20-25 હજાર કરોડનું રોકાણ આવતું હતું પણ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કચ્છમાં અત્યારે અંદાજે 01 લાખ કરોડથી વધુનું રોકાણ આવ્યું છે તેના પરિણામે અંદાજે 4-5 લાખ યુવાનોને રોજગારી ઉપલબ્ધ થઈ રહી છે. કચ્છમાં આવેલા ઘોળાવીરા,માતાના મઢ,નારાયણ સરોવર, કોટેશ્વર, માંડવી, ઘોરડો વગેરે યાત્રાધામો – પ્રવાસન સ્થળોને હાઇવેથી જોડવામાં આવ્યા છે જેના પરિણામે કચ્છમાં આવતા પ્રવાસીઓમાં નોંધપાત્ર વધારો થયો છે તેમ, મંત્રીશ્રી વિશ્વકર્માએ ઉમેર્યું હતું. (File photo)