PMના આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું બજેટ છેઃ મુખ્યમંત્રી
ગાંધીનગર,1 ફેબ્રુઆરી 2026: કેન્દ્રિય મંત્રી નિર્મલા સિતારમણે સંસદમાં રજુ કરેલા 2026-27ના બજેટ અંગે પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા સામાન્ય લોકોને પ્રાધાન્ય આપ્યું છે. તેમના નેતૃત્વમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું આ બજેટ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાણાંમંત્રી શ્રીમતિ નિર્મલા સિતારામનજીને સતત નવમી વાર બજેટ રજૂ કરવા માટે અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલું આ બજેટ ત્રણ કર્તવ્યો પર ઝોંક આપતું બજેટ છે. તેમાં ગ્યાન એટલે કે ‘ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ’ તથા દિવ્યાંગજનના પીલર્સ મજબૂત થશે. આ ત્રણ કર્તવ્યોમાં સમાજના બધાં જ ક્ષેત્રોને અને દરેક વર્ગને “સૌના સાથ, સૌના વિકાસના” મંત્રથી આવરી લેવાનો ખૂબ જ સરાહનીય અભિગમ રાખવામાં આવ્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીઝ, કટીંગ એજ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર્સ જેવા ક્ષેત્રો પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે.
તેમણે બજેટની પ્રતિક્રિયા આપયા વધુમાં જણાવ્યું હતું કે, બજેટમાં એમ.એસ.એમ.ઇ. પર ભાર મૂકવામાં આવ્યો છે તેનાંથી લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોને મોટો ફાયદો થશે. મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રોમાં ઉદ્યોગોને જે પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યાં છે તે પણ ગુજરાતના મેન્યુફેક્ચરીંગ સેક્ટરને બૂસ્ટ અપ કરશે. પૂર્વ ભારતના દાનકુનીથી સુરત સુધીના ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરથી રાજ્યના વ્યાપાર-ઉદ્યોગ અને ઉત્પાદન ક્ષેત્ર માટે ઝડપી લોજિસ્ટીક્સ સેવાઓ મળતી થશે. ટેક્સટાઇલ સેક્ટરને વધુ ઉત્તેજન આપવા જાહેર કરવામાં આવેલી 6 જેટલી યોજનાઓનો લાભ ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરને મળશે.
મુખ્યમંત્રી પટેલે વધુમાં કહ્યુ હતું કે, બજેટમાં ત્રણ કેમિકલ પાર્ક્સની જાહેરાત તથા બાયોફાર્મા ઇન્ડસ્ટ્રીઝ માટે 10 હજાર કરોડની જે જાહેરાત થઈ છે તેનો પણ લાભ ગુજરાતના આ ક્ષેત્રના ઉદ્યોગોને મળશે. ગુજરાત દેશમાં મ્યુનિસિપલ બોન્ડ ઇશ્યૂમાં અગ્રેસર રહ્યું છે. આ બજેટમાં મ્યુનિસિપલ બોન્ડ માટે જે પ્રોત્સાહન જાહેર થયાં છે તેનો લાભ ગુજરાતની મ્યુનિસિપાલિટીઝને પણ મળશે. 5 લાખથી વધુ વસ્તી વાળા ટીયર-ટુ અને ટીયર-થ્રી શહેરોને સિટી ઇકોનોમિક રિજીયોન બનાવવાની જાહેરાતથી રાજ્યના નાના શહેરોનો સુગ્રથિત વિકાસ વેગવંતો બનશે.
આ ઉપરાંત જામનગરનાં ગ્લોબલ ટ્રેડીશનલ મેડિસીન સેન્ટરને અપગ્રેડ કરવાની જાહેરાતથી પરંપરાગત ઔષધિઓના સંશોધનનો વ્યાપ વિશ્વભરમાં થશે. લોથલ અને ધોળાવીરાનો દેશની 15 પુરાતત્વીય વિરાસત ક્લસ્ટર ટુરીઝમ ડેવલોપમેન્ટમાં સમાવેશ થયો છે તેનાંથી પ્રવાસન દ્વારા ગુજરાતમાં ‘વિરાસત ભી, વિકાસ ભી’નો અભિગમ સાકાર થશે. દેશમાં 20 આઇકોનિક પ્રવાસન સ્થળો માટે 10 હજાર ટુરીસ્ટ ગાઇડ તૈયાર કરવાની યોજનાથી ગુજરાતના આઇકોનિક ટુરિસ્ટ પ્લેસીઝમાં સ્થાનિક રોજગારીની તકો વધશે.
.


