દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટની ઘટનાને લીધે કેન્દ્રિય મંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ કરાયો
- કેન્દ્રિય મંત્રી અમિત શાહ કાલે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવવાના હતા,
- અમિત શાહ અમદાવાદ અને મહેસાણા ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા,
- દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ ઘટનાની તપાસમાં કેન્દ્રિય મંત્રીનું માર્ગદર્શન
અમદાવાદ: કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતની એક દિવસની મુલાકાતે આજે આવવાના હતા. અને આવતી કાલે અમદાવાદ અને મહેસાણામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા. પણ દિલ્હીમાં કાર બોમ્બ બ્લાસ્ટની ઘટનાને લીધે અમિત શાહનો ગુજરાતનો કાર્યક્રમ મુલત્વી રહ્યો છે.
દેશની રાજધાની દિલ્હીમાં ગઈ તા. 10મી નવેમ્બરના રોજ થયેલા કાર બ્લાસ્ટમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાનો ગુજરાત પ્રવાસ રદ કરી દીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવવાના હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 13 નવેમ્બરે ગુજરાત પ્રવાસે આવીને અમદાવાદ અને મહેસાણાના કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા.
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, જેમાં આતંકવાદી કનેક્શનની આશંકાને પગલે સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તપાસમાં અનેક મહત્વપૂર્ણ ખુલાસાઓ થઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂટાનના પ્રવાસ દરમિયાન સ્પષ્ટતા કરી છે કે આ બ્લાસ્ટના આરોપીઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. જોકે, આ સંવેદનશીલ પરિસ્થિતિ વચ્ચે, ગૃહમંત્રી અમિત શાહે પોતાનો એક દિવસીય ગુજરાત પ્રવાસ રદ કરવો પડ્યો છે. અમિત શાહ તેમના સંસદીય ક્ષેત્રમાં આવતા અમદાવાદ અને મહેસાણાના બે મુખ્ય કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા. જેમાં ગૃહમંત્રી તેમના સંસદીય ક્ષેત્રના મહેસાણા જિલ્લાના બોરીયાવી ગામ ખાતે આવેલી મોતીલાલ ચૌધરી સૈનિક શાળામાં દૂધસાગર ડેરી દ્વારા સ્થાપિત ઓર્ગેનિક પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે પણ ઉપસ્થિત રહેવાના હતા. તેમજ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કરવાના હતા. હવે તેઓ આ કાર્યક્રમમાં હાજરી આપી શકશે નહીં. એવુ સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.


