1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને ગુજરાતની 8 યુનિવર્સિટીઓને ડિફોલ્ટર જાહેર કરી
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને ગુજરાતની 8 યુનિવર્સિટીઓને ડિફોલ્ટર જાહેર કરી

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને ગુજરાતની 8 યુનિવર્સિટીઓને ડિફોલ્ટર જાહેર કરી

0
Social Share
  • વારંવાર નોટિસ આપવા છતાં યુનિવર્સિટીઓ વેબસાઇટ પર જરૂરી વિગતો જાહેર ન કરી શકી,
  • વેબસાઇટ પર કોર્સ, ફેકલ્ટી, રિસર્ચ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફીનું માળખું જાહેર કરવું ફરજિયાત,
  • દેશની 54 યુનિવર્સિટીઓ સામે પણ પગલાં લેવાયા

અમદાવાદ  યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)  દ્વારા નિયમોનું પાલન ન કરતી ગુજરાતની 8 યુનિવર્સિટીઓ સહિત દેશભરની કુલ 54 ખાનગી યુનિવર્સિટીઓને ‘ડિફોલ્ટર’ જાહેર કરવામાં આવી છે. ખાનગી યુનિવર્સિટીઓને વારંવાર નોટિસ આપવા છતાં યુનિવર્સિટીઓ દ્વારા પોતાની વેબસાઇટ પર જરૂરી વિગતો જાહેર કરવામાં ન આવતા યુજીસી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ યુજીસી દ્વારા વર્ષ-2024માં જારી કરાયેલી માર્ગદર્શિકા મુજબ, તમામ યુનિવર્સિટીઓએ પોતાની સત્તાવાર વેબસાઇટ પર કોર્સ, ફેકલ્ટી, રિસર્ચ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફીનું માળખું, માધ્યમ તેમજ ફાઇનાન્સ અને ગવર્નન્સને લગતી તમામ માહિતી જાહેર કરવી ફરજિયાત છે. આ વિગતો વિદ્યાર્થીઓ, વાલીઓ અને સામાન્ય જનતાને સરળતાથી ઉપલબ્ધ થાય તે રીતે મૂકવાની સૂચના હતી, જેમાં કોઈ રજિસ્ટ્રેશન કે લોગ-ઇનની જરૂર ન રહે. પણ ગુજરાતની 8 સહિત દેશની 54 ખાનગી યુનિવર્સિટીઓએ યુજીસીની સૂચનાનું ધરાર ઉલ્લંઘન કર્યું હતુ. આથી  યુજીસી દ્વારા યુનિવર્સિટીઓને ઈન્સ્પેક્શનની જાણકારી અને સહાયક ડોક્યુમેન્ટ્સ યુજીસી એક્ટ-1956ની કલમ 13 અંતર્ગત જમા કરાવવાની નોટિસ આપવામાં આવી હોવા છતાં તેનું પાલન થયું નહીં. યુનિવર્સિટીઓની આ આડોડાઈ સામે આવતા યુજીસીએ તેમને ડિફોલ્ટર જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.

સૂત્રોના કહેવા મુજબ ગુજરાતની જે ખાનગી યુનિવર્સિટીઓ ડિફોલ્ટર જાહેર કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર યુનિવર્સિટી, કલોલ,  જેજી યુનિવર્સિટી, ઉવારસદ,  કે એન યુનિવર્સિટી, અમદાવાદ (ગોતા સ્થિત),  એમ કે યુનિવર્સિટી, પાટણ,  પ્લાસ્ટ ઇન્ડિયા યુનિવર્સિટી, વાપી,  સુરેન્દ્રનગર યુનિવર્સિટી, વઢવાણ, . ટીમ લીઝ સ્કિલ્સ યુનિવર્સિટી, વડોદરા અને  ટ્રાન્સટેરિયા યુનિવર્સિટી, કાંકરિયાનો સમાવેશ થાય છે. યુજીસીએ ડિફોલ્ટર જાહેર કરવાની સાથે જ તમામ યુનિવર્સિટીઓને તાત્કાલિક અસરથી તમામ જરૂરી વિગતો પોતાની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવા અને યુજીસીને મોકલી આપવા આદેશ આપ્યો છે. જો યુનિવર્સિટીઓ આ સૂચનાનું પાલન નહીં કરે, તો તેમની સામે ઈન્સપેક્શન, પેનલ્ટી અથવા તો અન્ય કડક કાર્યવાહી કરવામાં આવશે, તેવી ચીમકી પણ યુજીસી દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code