
યાંગોનઃ મ્યાનમારમાં ગૃહયુદ્ધની પરિસ્થિતિ સતત ગંભીર બની રહી છે. બાંગ્લાદેશમાં શિબિરોમાં રહેતા હથિયારબંધ રોહિંગ્યા કેડર હવે મ્યાનમારમાં હુમલા કરવા લાગ્યા છે. જેના પગલે અરાકાન આર્મીએ જાહેરાત કરી છે કે તે બાંગ્લાદેશ સાથે જોડાયેલી નદીય સીમા પર સુરક્ષા વધારશે. બીજી તરફ મ્યાનમારની સેના પણ રાખાઇન રાજ્યમાં અરાકાન આર્મી સામે પોતાનું ઓપરેશન તેજ કરી રહી છે, એટલે અરાકાન આર્મી પર બંને બાજુથી દબાણ વધ્યું છે.
અરાકાન આર્મીએ અરાકાન રોહિંગ્યા સેલ્વેશન આર્મી (ARSA) અને રોહિંગ્યા સોલિડેરિટી ઓર્ગેનાઇઝેશન (RSO) પર આક્ષેપ મૂક્યો છે કે તેઓ નાફ નદી પાર કરીને મ્યાનમારના મોંગડો જિલ્લામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઉપરાંત, રોહિંગ્યા લડવૈયાઓ માયા પર્વતો મારફતે પણ ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે. અરાકાન આર્મીનો આક્ષેપ છે કે આ ઉગ્રવાદીઓ ગેર-મુસ્લિમ નાગરિકોની હત્યા, અપહરણ અને હુમલા કરી રહ્યા છે તેમજ ક્યારેક અરાકાન આર્મીની જર્સી પહેરી “ફર્જી લડાઈ”નો માહોલ ઊભો કરે છે.
11 સપ્ટેમ્બરે જાહેર કરેલી પ્રેસ રિલીઝમાં અરાકાન આર્મીએ જણાવ્યું હતું કે આયયરવાડી-રાખાઇન અને માગવે-રાખાઇન સીમાવર્તી વિસ્તારોમાં મ્યાનમાર સેનાની સતત કાર્યવાહી ચાલી રહી છે. મિલિટરી ઓપરેશન્સ કમાન્ડ (MOC) 17ની લાઇટ ઇન્ફેન્ટ્રી બટાલિયનો તેમજ ઇન્ફેન્ટ્રી બટાલિયન 295ને આ મોરચાઓ પર મોકલવામાં આવ્યા છે. તેમાં મોટી સંખ્યામાં બળજબરીથી ભરતી કરાયેલા નવા સિપાઇઓનો સમાવેશ થાય છે. માગવે વિસ્તારના નટ્યાયકાન પર્વતીય વિસ્તારમાં થયેલી અથડામણોમાં બંને પક્ષ વચ્ચે ભારે યુદ્ધ થયું હતું. 5 સપ્ટેમ્બરે સુન્ટેટ ગામ પાસે બે કલાક ચાલેલી લડતમાં સેનાને મોટું નુકસાન થયું હતું, ત્યારબાદ 7 સપ્ટેમ્બર સુધીમાં અનેક હુમલા નિષ્ફળ બનાવાયા હતા.
અરાકાન આર્મીએ દાવો કર્યો છે કે તેણે 60થી વધુ સૈનિકોના મૃતદેહો, હથિયારો અને દારૂગોળો કબજે કર્યા છે. બીજી તરફ બાંગ્લાદેશ તરફથી આવેલા રોહિંગ્યાના હુમલાને તેણે આતંકવાદી હુમલો ગણાવ્યો છે. અરાકાન આર્મીનું કહેવું છે કે “રોહિંગ્યા આતંકવાદીઓ”ની કારણે સામાન્ય લોકોના ઘરો લૂંટાઈ રહ્યા છે અને નાગરિકોને ભારે નુકસાન થઈ રહ્યું છે.
અરાકાન આર્મીએ જણાવ્યું કે આયયરવાડી-રાખાઇન સીમા (સેટ સેટ યો ગામની આસપાસ), બાગો-રાખાઇન સીમા (સિનલામ ગામની આસપાસ) તથા યો પર્વતમાળા વિસ્તારમાં લડાઈ સતત વધી રહી છે. સંગઠને નાગરિકોને ચેતવણી આપી છે કે તેઓ એકલા કે જૂથમાં જંગલોમાં અથવા દૂરદૂરના વિસ્તારોમાં મુસાફરી ન કરે.