ચાબહાર બંદર પ્રોજેક્ટ પર અમેરિકાએ ભારતને 6 મહિનાની રાહત આપી
નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે જણાવ્યું હતું કે, અમેરિકા દ્વારા ચાબહાર બંદર પ્રોજેક્ટ પર લાગુ પ્રતિબંધોમાંથી ભારતને 6 મહિનાની છૂટ આપવામાં આવી છે. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં તાજેતરમાં આવેલું તણાવ હવે ઘટતું જણાય છે. રશિયાથી કાચા તેલની ખરીદીના કારણે બંને દેશો વચ્ચે અણબનાવ સર્જાયો હતો, પરંતુ હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને મોટી રાહત આપતાં ચાબહાર બંદર પ્રોજેક્ટને પ્રતિબંધોમાંથી 6 મહિનાની મુક્તિ આપી છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે “વેપાર સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવા માટે અમેરિકી પક્ષ સાથેની ચર્ચા ચાલુ છે અને આવનારા દિવસોમાં પણ આ ચર્ચાઓ ચાલુ રહેશે.” રશિયન તેલ કંપનીઓ પર તાજેતરમાં અમેરિકા દ્વારા મૂકાયેલા પ્રતિબંધો અંગે તેમણે કહ્યું કે, “અમે આ પ્રતિબંધોના પ્રભાવનું અધ્યયન કરી રહ્યા છીએ. ભારતના ઊર્જા સંબંધિત નિર્ણયો 140 કરોડ ભારતીયોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લેવાય છે. વિવિધ સ્ત્રોતોમાંથી સસ્તી અને વિશ્વસનીય ઊર્જા મેળવવી એ આપણા માટે અતિ આવશ્યક છે.”
અમેરિકામાંથી ભારતીય નાગરિકોને પાછા મોકલવાના મુદ્દે વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, “આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 2790થી વધુ ભારતીય નાગરિકો, જેઓ વિઝા અને અન્ય નિયમોનું પાલન કરતા નહોતા, તેમને પરત મોકલવામાં આવ્યા છે. તે ઉપરાંત બ્રિટને પણ આ વર્ષે આશરે 100 ભારતીય નાગરિકોને તેમની ઓળખની પુષ્ટિ બાદ ભારત પરત મોકલ્યા છે.”
પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચેના તણાવ અંગે રણધીર જયસવાલે કહ્યું કે, “અફઘાનિસ્તાન પોતાના ક્ષેત્ર પર સંપ્રભુ અધિકારનો ઉપયોગ કરે છે, જે બાબત પાકિસ્તાનને અસ્વીકાર્ય લાગે છે. પાકિસ્તાન માન્ય રાખે છે કે તે દંડમુક્ત થઈને સીમાપાર આતંકવાદ કરી શકે, પરંતુ ભારત અફઘાનિસ્તાનની ભૂમિઅખંડિતતા, સંપ્રભુતા અને સ્વતંત્રતાનું સમર્થન કરે છે.”


