
- અગાઉ મ્યુનિ.કમિશનર સાથે ગેરવર્તન કર્યું હતુ
- સોશ્યલ મિડિયામાં ભાજપની આબરૂ કાઢતા નિવેદનો કર્યા હતા
- અગાઉ પણ લેખિત-મૌખિક સુચના આપવામાં આવી હતી
વડોદરાઃ ભાજપના કેટલાક નેતાઓમાં આંતરિક વિખવાદ ક્યારેક ઊભરીને બહાર આવતો હોય છે. ત્યારે વડાદરા શહેરના ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ પક્ષની લેખિત અને મૌખિક સુચના છતાંયે શિસ્તમાં ન રહેતા તેમને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાછે. શહેરના વોર્ડ નંબર 15 ના ભાજપા કાઉન્સિલર આશિષ જોષીને ભાજપામાંથી પ્રદેશ ભાજપાની સુચનાથી શહેર ભાજપા પ્રમુખ ડો. જયપ્રકાશ સોની દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા શહેરના વોર્ડ નંબર 15માંથી ચૂંટાયેલા ભાજપના કાઉન્સલર આશિષ જોશી સાથે શહેરના પક્ષના નેતાઓમાં વિખવાદ ચાલી રહ્યો હતો. કહેવાય છે કે, તાજેતરમાં વડોદરા મહાનગર સેવાસદન દ્વારા મુખ્યમંત્રીના હસ્તે વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના આયોજીત કાર્યક્રમમાં હરણી બોટ કાંડ પીડિત બે મહિલાઓને મોકલીને પાલિકા શાસકોના ધજાગરા ઉડાવ્યા હોવામાં પણ કાઉન્સિલર આશિષ જોષીનુ નામ સામે આવ્યું હતું.
આ ઉપરાંત કહેવાય છે કે, અગાઉ કાઉન્સિલર આશિષ જોષીએ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાથે સામાન્ય સભામાં કાંસની સફાઇ બાબતે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. આ ઉપરાંત અનેક વખત ભાજપાની આબરુ કાઢતા નિવેદનો અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. આ અંગે શહેર ભાજપા દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી. આવી અનેક બાબતો અંગે ભાજપા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આશિષ જોશી ઉપરાંત પૂર્વ કોર્પોરેટર અરવિંદ પ્રજાપતિને પણ શિસ્તભંગ બદલ પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે.