
વિયેતનામ: હાલોંગ ખાડીમાં ક્રુઝ શિપ પલટી જતાં મૃત્યુઆંક વધીને 37 ઉપર પહોંચ્યો
ઉત્તર વિયેતનામના હાલોંગ ખાડીમાં એક મોટી દુર્ઘટના બની. ક્વાંગ નિન્હ પ્રાંતમાં અચાનક આવેલા તોફાનને કારણે ઘણા પ્રવાસીઓને લઈને જતું એક ક્રુઝ શિપ પલટી ગયું. વિયેતનામ ન્યૂઝ એજન્સી અનુસાર આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 37 લોકોના મોત થયા છે. બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. આ અકસ્માત બપોરે 1:30 વાગ્યે થયો હતો જ્યારે ક્રુઝ શિપને જોરદાર તોફાનનો સામનો કરવો પડ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે,બપોરે 2:05 વાગ્યા સુધીમાં જહાજનો અધિકારીઓ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો અને બાદમાં તે હાલોંગ ખાડીના પાણીમાં ડૂબી ગયું હતું.
ક્રુઝ શિપમાં તે સમયે 48 મુસાફરો હતા, જેમાં 24 પુરુષો અને 24 મહિલાઓનો સમાવેશ થાય છે. તેમાંથી ઘણા યુવાનો અને બાળકો હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક મીડિયા આઉટલેટ્સે અહેવાલ આપ્યો છે કે મોટાભાગના મુસાફરો વિયેતનામી પરિવારો હતા જેઓ રાજધાની હનોઈથી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની મુલાકાત લેવા આવ્યા હતા.
ભારે વરસાદ અને ખરાબ હવામાન છતાં બચાવ ટીમોએ 11 લોકોને પાણીમાંથી સુરક્ષિત રીતે બચાવ્યા હતા. જોકે હજુ પણ ઘણા લોકો ગુમ છે, જેના કારણે મોટા પાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. વડા પ્રધાન ફામ મિન્હ ચિન્હે મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને અકસ્માતની સંપૂર્ણ તપાસની હાકલ કરી. હાલોંગ ખાડી વિયેતનામનું એક મુખ્ય પર્યટન સ્થળ છે. 40 લાખથી વધુ પ્રવાસીઓએ આ સ્થળની મુલાકાત લઇ ચૂક્યા છે.