
- હવે ડેમની સપાટી વધશે તો દરવાજા ખોલાશે,
- બનાસકાંઠા અને પાટણના 111 ગામડાઓને એલર્ટ કરાયા,
- ડેમ ઉપર જવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધ મુકાયો
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લા તેમજ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ડેમ 600.55 ફુટે ભરાયેલો છે. જે ભયજનક સપાટીથી માત્ર દોઢ ફુટ દૂર છે. જેથી જિલ્લા કલેકટર દ્વારા બનાસકાંઠા અને પાટણના 111 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમની સપાટી 601.90 ફૂટ થઇ થાય પછી દરવાજા ખોલી નાખવામાં આવશે. જ્યાં વર્તમાન સમયે ડેમ નિહાળવા જવા ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
દાંતીવાડા નજીક બનાસનદી પર આવેલો દાંતીવાડા ડેમ બનાસકાંઠાના અને પાટણના 111 ગામના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. ડેમની કેનાલો મારફતે ઉનાળામાં પિયત માટે ખેડૂતોને પાણી આપવામાં આવે છે. જ્યાં આ વર્ષે બનાસકાંઠા જિલ્લા ઉપરાંત રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ચોમાસા દરમિયાન ડેમમાં પાણીની આવક થઇ હતી. આ અંગે જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતુ કે, દાંતીવાડા ડેમની ભયજનક સપાટી 601.90 છે. વર્તમાન સમયે ડેમ 600.55 ફૂટ ભરાઇ ગયો છે. વર્તમાન સમયે પાણીની આવક 1808 કયુસેક નોંધાઇ રહી છે. ડેમ 90 ટકા ભરાવાની સ્થિતિને પગલે રેડ સિગ્નલ જાહેર કરી બનાસનદી કાંઠાના અને નીચાણવાળા વિસ્તારના નાગરિકોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.
આ અંગે ડેમ મેનેજમેન્ટના સૂત્રોએ જણાવ્યું હતુ કે, ડેમની ભય જનક સપાટી સુધી પાણી આંબવા માટે દોઢ ફૂટ પાણીની જરૂર છે. જે પછી ડેમના દરવાજા ખોલવામાં આવે તેવી શક્યતાઓ છે. ડેમ પર જવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધ મુકાયો હોવા છતાં કેટલાક બાઇક સવારો ડેમ નજીક પહોંચી ગયા હતા. અને સિકયુરીટીના જવાનો સાથે સંઘર્ષમાં ઉતરતાં જણાયા હતા. જોકે, જવાનો દ્વારા તેમને ત્યાંથી જ પરત મોકલવામાં આવ્યા હતા.