 
                                    નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાના પરિણામ સામે આવી રહ્યાં છે. જેમાં વર્ષોથી સત્તામાં દૂર રહેલી ભાજપા જીતી રહી છે. જ્યારે આમ આદમી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. એટલું જ નહીં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ અને નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાને પણ હારનો સામનો કરવો પડ્યો છે. દરમિયાન દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હારને અરવિંદ કેજરિવાલે સ્વિકારી છે અને ભાજપાને જીત બદલ શુભેચ્છાઓ પાઠવી છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પર AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે જનતા જે પણ નિર્ણય લીધો તેને અમે સ્વીકારીએ છીએ. હું ભાજપને આ જીત બદલ અભિનંદન આપું છું. જનતાએ તેમને જે બહુમતી આપી છે તે અપેક્ષાઓ પર તેઓ ખરા ઉતરશે. અરવિંદ કેજરીવાલે કહ્યું, “લોકોએ છેલ્લા 10 વર્ષમાં અમને તક આપી. અમે ઘણું કામ કર્યું છે. અમે શિક્ષણ, આરોગ્ય, પાણી, વીજળી અને અન્ય ઘણી રીતે લોકોને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. અમે દિલ્હીના માળખાગત સુવિધાઓને સુધારવાનો પ્રયાસ કર્યો. હવે, લોકોએ અમને જે નિર્ણય આપ્યો છે, અમે ફક્ત રચનાત્મક વિપક્ષની ભૂમિકા જ નહીં ભજવીશું પણ અમે સમાજ સેવા પણ કરીશું, લોકોના સુખ-દુઃખમાં મદદ કરીશું, અને વ્યક્તિગત રીતે, જેને પણ અમારી જરૂર હશે, અમે હંમેશા તેમના સુખ-દુઃખમાં મદદ કરીશું, કારણ કે અમે સત્તા માટે રાજકારણમાં આવ્યા નથી.”
તેમણે કહ્યું, “અમે રાજકારણને એક એવું માધ્યમ માનીએ છીએ જેના દ્વારા આપણે જનતાની સેવા કરી શકીએ છીએ. જેના દ્વારા આપણે લોકોને તેમના સુખ-દુઃખમાં મદદ કરી શકીએ છીએ. આપણે કામ કરતા રહીશું અને ભવિષ્યમાં પણ આપણે એ જ રીતે લોકોને તેમના સુખ-દુઃખમાં મદદ કરવી પડશે. હું આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરોને અભિનંદન આપવા માંગુ છું. તમે ખૂબ જ સારું કામ કર્યું. તમે ખૂબ જ મહેનત કરી. તમે એક શાનદાર ચૂંટણી લડ્યા અને હું બધા કાર્યકરોને અભિનંદન આપવા માંગુ છું.”
દિલ્હીમાં આમ આદમી પાર્ટી માત્ર સત્તાથી બહાર થઈ ગઈ છે એટલું જ નહીં પરંતુ અરવિંદ કેજરીવાલ પોતે પણ પોતાની બેઠક બચાવી શક્યા નથી. નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી તેમને ભાજપના પ્રવેશ વર્માએ હરાવ્યા હતા. આ બેઠક પર ૧૪ રાઉન્ડની મતગણતરી બાદ, અરવિંદ કેજરીવાલને 42.18 ટકા ટકા સાથે 25999 મત મળ્યા. વિજેતા પ્રવેશ વર્માને 30088 મત મળ્યા. કોંગ્રેસના સંદીપ દીક્ષિતને 4568 મત મળ્યા છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

