અમદાવાદ,29 જાન્યુઆરી 2026: શહેરના ઘી-કાંટા વિસ્તારમાં મોટી હમામની પોળ પાસે આવેલા નવતાડની પોળમાં આજે મકાન ધરાશાયી થતા કાટમાળ નીચે ત્રણ લોકો દટાઈ ગયા હતાં. આ બનાવને લીધે પોળના લોકો દોડી આવ્યા હતા. અને ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચીને દટાયેલા લોકોનું રેસ્ક્યૂ શરૂ કર્યું હતુ. ગણતરીની મિનિટોમાં ફાયર બ્રિગેડની બે ટીમ દ્વારા ત્રણ લોકોને બહાર કાઢી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતાં. આ ત્રણ લોકોમાંથી એક મહિલાનું વધુ ઈજાના કારણે મોત નિપજ્યુ હતુ.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના કોટ વિસ્તારમાં ઘી કાંટાની નવતાડની પોળમાં વર્ષો જુનું મકાન ધડાકા સાથે તૂટી પડ્યુ હતું. મકાન તૂટી પડતા જ પોળના રહીશો દોડી આવ્યા હતા. અને પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયરના જવાનોએ ત્વરિત પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. અને કાટમાળમાં દટાયેલા વૃદ્ધ મહિલા સહિત ત્રણને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ મોકલ્યા હતા. જ્યાંર ટુંકી સારવાર દરમિયાન વૃદ્ધ મહિલાનું મોત નિપજ્યું હતું. દરમિયાન સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજની લાઇન ખોદવાની કામગીરી ચાલતી હતી અને ડ્રીલ કરવાની કામગીરીને કારણે મકાન પડી ગયું છે. મકાન પડતા કોર્પોરેશનના 2 મજૂર પણ ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે ઘરમાં હાજર એક મહિલા પણ ઇજાગ્રસ્ત થઈ હતી.
ઘટના અંગે ધારાસભ્ય કૌશિક જૈને જણાવ્યું હતું કે, નવતાડની પોળમાં મકાન પડવાની ઘટના અંગે જાણ થતા તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળ પર પહોંચી અને કાર્યવાહી કરવા માટે એસ્ટેટ અને ફાયર વિભાગને જાણ કરી હતી. મકાનો 100 વર્ષ જુનુ હતુ. મકાન પાસે કામ ચાલતું હતું અને મકાન પડ્યું છે. એક મજૂર અને અન્ય 2 દટાયા હતા, જેમાં મળતી માહિતી મુજબ પુષ્પાબેન પંચાલ (ઉં.વ. 62)નું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોટ વિસ્તારમાં મોટાભાગના મકાનો જર્જરીત હાલતમાં છે, જેથી આ બાબતે કમિશનરનું ધ્યાન દોર્યું હતું. જેને પણ મકાન રિપેરિંગ કરવું હોય તેને મંજૂરી આપી દેવી જોઈએ. મકાન માલિકો અને ભાડુઆત વચ્ચેના ઝઘડામાં મકાનો રિપેરિંગ કરવામાં આવતા નથી. મકાન માલિકો રહેતા હોતા નથી અને ભાડૂઆત રહેતા હોય છે, ત્યારે તેમના ઝઘડામાં આવા મકાનો રિપેર થતા નથી. મકાન માલિક જો મકાન રિપેરિંગ કરાવવા માંગતો હતો તેને કોર્પોરેશનએ મંજૂરી આપવી જોઈએ.


