1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાધનપુર નગરપાલિકાના ‘પ્રમુખ ગુમ છે’, એવા બેનરો પ્રદર્શિત કરી મહિલાઓએ વિરોધ કર્યો
રાધનપુર નગરપાલિકાના ‘પ્રમુખ ગુમ છે’, એવા બેનરો પ્રદર્શિત કરી મહિલાઓએ વિરોધ કર્યો

રાધનપુર નગરપાલિકાના ‘પ્રમુખ ગુમ છે’, એવા બેનરો પ્રદર્શિત કરી મહિલાઓએ વિરોધ કર્યો

0
Social Share
  • રાધનપુરમાં રોડ-રસ્તા, ખુલ્લી ગટર, સ્ટ્રીટ લાઈટની સમસ્યાથી લોકો પરેશાન,
  • મહિલાઓ રજુઆત કરવા ગયા ત્યારે પ્રમુખ ન મળતા રોષ વ્યક્ત કરાયો,
  • ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ

રાધનપુરઃ શહેરમાં રોડ-રસ્તા સહિતના અનેક પ્રશ્નો ન ઉકેલાતા નાગરિકોમાં નગરપાલિકાના સત્તાધિશો સામે નારાજગી ઊભી થઈ છે. દરમિયાન શહેરમાં રોડ-રસ્તા, ખુલ્લી ગટર, સ્ટ્રીટ લાઈટ અને રખડતા ઢોર સહિતના અનેક પ્રશ્નોના ઉકેલ માટે  નાગરિકોએ નગરપાલિકા કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. નગરપાલિકામાં પ્રમુખની ગેરહાજરી સામે પણ નાગરિકોએ અસંતોષ વ્યક્ત કર્યો હતો.

રાધનપુર નગરપાલિકામાં રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ્સ. ગટર સહિતના પ્રશ્નો માટે નાગરિકો રજૂઆત કરવા માટે ગયા ત્યારે નગરપાલિકાના પ્રમુખ ગેરહાજર હતા. તેથી રજુઆત કરવા ગયેલી મહિલાઓએ “નગરપાલિકા પ્રમુખ ગુમ છે” તેવા બેનરો પ્રદર્શિત કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. શહેરના પ્રશ્નોની રજૂઆત કરવા માટે નગરસેવક જયાબેન ઠાકોર સહિત અનેક મહિલાઓ પ્રમુખના કાર્યાલયે પહોંચી હતી. જોકે, પ્રમુખ ગેરહાજર રહેતા નાગરિકોમાં નારાજગી વધી હતી. વિરોધકર્તાઓએ પ્રમુખની ખુરશી પર “પ્રમુખ ગુમ છે” અને નગરપાલિકાના પ્રવેશદ્વાર પર “સત્તાધિશોને પ્રજાની ચિંતા નથી, નાગરિકો આશા ન રાખે” તેવા બેનરો લગાવ્યા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પીવાનું પાણી, વરસાદી પાણીનો નિકાલ, દવા છંટકાવ અને સફાઈ સહિતના મુદ્દાઓ મુખ્યત્વે ઉઠાવવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, સફાઈ કર્મચારીઓને સુરક્ષા કિટ અને પગાર વધારો આપવાની પણ માંગણી કરવામાં આવી હતી. નાગરિકોએ ચીફ ઓફિસરને આવેદનપત્ર સુપરત કરીને શહેરમાં વસ્તીની સામે કર્મચારીઓની ઓછી સંખ્યાનો મુદ્દો પણ રજૂ કર્યો હતો. નાગરિકોનો આક્ષેપ છે કે પ્રમુખ સતત ગેરહાજર રહેતા હોવાથી શહેરીજનોની સમસ્યાઓનો ઉકેલ આવતો નથી અને લોકોમાં નારાજગી વધી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code