- વડોદરાના લક્ષ્મીપુરા ક્રોસ રોડ નજીક બન્યો બનાવ
- આજુબાજુના લોકોએ દોડી આવી દટાયેલા શ્રમિકને બહાર કાઢ્યો
- હોસ્પિટલમાં સારવાર દરમિયાન શ્રમિકનું મોત નિપજ્યું
વડોદરાઃ શહેરના જવાહરનગર વિસ્તારમાં કરોડિયા લક્ષ્મીપુરા ચાર રસ્તા પાસે પાઇપલાઇન લિકેજના સમારકામ દરમિયાન શ્રમિક પર ભેખડ ધસી પડતા ઊંડા ખાડામાં શ્રમિક દટાયો હતો. આ બનાવની જાણ આસપાસના લોકોને થતા તાત્કાલિક દોડી આવ્યા હતા અને માટીમાં દબાયેલા યુવકને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન શ્રમિક યુવાનનું મોત નિપજ્યું હતું.
આ બનાવની વિગત એવી છે કે, વડોદરા શહેરના જવાહરનગર વિસ્તારમાં કરોડિયા લક્ષ્મીપુરા ચાર રસ્તા પાસે પાઇપલાઇન લિકેજના સમારકામ દરમિયાન શ્રમિક પર ભેખડ ધસી પડતા શ્રમિક ઊંડા ખાડામાં માટીમાં દબાયો હતો. જેને ભારે જહેમત બાદ સ્થાનિક લોકોએ બહાર કાઢી 108 મારફતે ગોત્રી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકે દમ તોડી દીધો હતો. મૃતક શ્રમિકનું નામ કાંતિભાઈ ચારેલ (દાહોદ મૂળ, ઉંડેરા તળાવ વડોદરા) હોવાનું સામે આવ્યું છે. હાલમાં આ શ્રમિક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોત્રી હોસ્પિટલમાં આવેલા કોલ્ડરૂમમાં ખસેડવામાં આવ્યો છે.
આ ઘટના અંગેની જાણ થતા જવાહરનગર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી હતી કે કોઈ અન્ય એજન્સી તે બાબતે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં જવાહનગર પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


