સુરેન્દ્રનગર, 22 માર્ચ 2026: Youth of Rajsitapur village cleaned the ancient Vav જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામે આવેલી એક પૌરાણિક વાવ સારસંભાળ ન રાખવાને લીધે ગંદકી અને બિસ્માર હાલતને કારણે ખંડેર બની છે. ત્યારે ગામના યુવાનોએ સ્વખર્ચે અને શ્રમયજ્ઞ કરીને ઐતિહાસિક વાવની સાફ-સફાઈ કરી છે. ગામના લોકોની માન્યતા મુજબ આ વાવ 500 વર્ષ જૂની છે અને લાંબા સમયથી બિસ્માર હાલતમાં હતી. યુવાનોએ સ્વખર્ચે અને ફાળો એકત્ર કરીને આ ઐતિહાસિક વાવને સ્વચ્છ બનાવી છે.
ગ્રામજનોના કહેવા મુજબ રાજસીતાપુર ગામના રાજપૂત શેરી વિસ્તારમાં આવેલી આ વાવને ‘અંબાજીની વાવ’ તરીકે ઓળખવામાં આવે છે. તેની સુંદર કોતરણી અને ઐતિહાસિક બાંધકામ હજુ પણ અકબંધ છે. વાવમાં અંબાજી માતાજી, હનુમાનજી અને ગણેશ ભગવાનના મંદિરો પણ આવેલા છે, જે ધ્રાંગધ્રાના પથ્થર પર સુંદર કોતરણી દર્શાવે છે. આ વાવ લાંબા સમયથી ગંદકી અને બિસ્માર હાલતને કારણે ખંડેર બની રહી હતી. ગ્રામજનો અને યુવાનો દ્વારા તેની જાળવણી અને સફાઈ માટે અનેક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ પગલાં લેવાયા ન હતા. આખરે, યુવાનોએ ‘જાત મહેનત ઝિંદાબાદ’ના સૂત્રને સાર્થક કરતા જાતે જ સફાઈ અભિયાન હાથ ધર્યું અને જરૂરી ખર્ચ માટે ફાળો પણ એકત્ર કર્યો.
રાજ્યમાં પુરાતત્વ વિભાગ પૌરાણિક સ્થળોના જતન માટે કરોડો રૂપિયા ખર્ચે છે, ત્યારે રાજસીતાપુર ગામની આ ઐતિહાસિક વાવની ઉપેક્ષા થઈ રહી હતી. ગ્રામજનો હવે આ વાવને હેરિટેજ ઈમારતમાં સમાવેશ કરીને પુરાતત્વ વિભાગની દેખરેખ હેઠળ યોગ્ય જાળવણી થાય અને તેનો ઇતિહાસ જળવાઈ રહે તેવી માંગ કરી રહ્યા છે.


