
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકવાદીઓએ પોલીસ મથકો અને ચેકપોસ્ટ પર શ્રેણીબદ્ધ હુમલા કર્યા હતા. આ હુમલાઓમાં ઓછામાં ઓછા ચાર પોલીસકર્મીઓ માર્યા ગયા અને નવ અન્ય ઘાયલ થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હુમલાઓ વિવિધ જિલ્લાઓમાં થયા હતા, જેમાં મુખ્યત્વે પોલીસ સ્ટેશનો અને ચેકપોસ્ટને નિશાન બનાવવામાં આવ્યા હતા.
આતંકવાદીઓએ પેશાવરના હસન ખેલ પોલીસ સ્ટેશન અને બે ચેકપોસ્ટ પર હુમલો કર્યો, જેમાં એક કોન્સ્ટેબલનું મોત નીપજ્યું અને એક ઘાયલ થયો હતો. અપર ડીર જિલ્લામાં આતંકવાદીઓએ ક્વિક રિસ્પોન્સ ફોર્સના વાહન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ પોલીસકર્મીઓના મોત થયા અને આઠ ઘાયલ થયા હતા. ઘાયલોને જિલ્લા મુખ્યાલયની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને વિસ્તારમાં તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ ખૈબર જિલ્લાના સખી બ્રિજ પર સંયુક્ત ફ્રન્ટિયર કોર્પ્સ અને પોલીસ ચોકી પર હુમલો કર્યો હતો, પરંતુ જવાબી કાર્યવાહીમાં તેમને પીછેહઠ કરવી પડી હતી. એ જ રીતે, નાસિર બાગ અને મતાની વિસ્તારોમાં પોલીસે હુમલાઓને નિષ્ફળ બનાવ્યા, જ્યારે બન્નુ જિલ્લામાં મજંગા ચેકપોસ્ટને પણ નિશાન બનાવવામાં આવી, જોકે કોઈ જાનહાનિ થઈ નથી.
ચારસદ્દા જિલ્લામાં, અજાણ્યા બાઇક સવાર હુમલાખોરોએ તરલંદી ચેકપોસ્ટ પર હેન્ડ ગ્રેનેડ ફેંક્યા હતા. સદનસીબે, હુમલો નિષ્ફળ ગયો અને કોઈ જાનમાલનું નુકસાન થયું ન હતું. પોલીસે સમગ્ર પ્રાંતમાં સુરક્ષા કડક બનાવી દીધી છે અને તમામ પોલીસ મથકો અને ચેકપોસ્ટને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગંડાપુરે આ હુમલાઓની નિંદા કરતા તેમને “કાયર” ગણાવ્યા હતા. તેમણે કહ્યું, “આવી ઘટનાઓ આપણી પોલીસનું મનોબળ તોડી શકે નહીં.” સુરક્ષા દળોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે.