
બ્રિટનના હીથ્રો હવાઈમથકથી ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ ગઈ છે. હવાઈમથક નજીકના પાવર સ્ટેશનમાં આગ લાગવાથી 18 કલાક વીજળી બંધ રહી હતી જેના કારણે હવાઈમથક બંધ કરી દેવામાં આવ્યું હતું. જેના કારણે બે લાખ જેટલા મુસાફરો ફસાઈ ગયા હતા.
લંડનના મુખ્ય હવાઈમથકના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમની ટીમોએ વિમાન સંચાલનની કામગીરી ફરી શરૂ કરવા માટે ઘણી મહેનત કરી હતી. હીથ્રો હવાઈમથકના મુખ્ય કાર્યકારી અધિકારી થોમસ વર્લ્ડબાયએ જણાવ્યું હતું કે આજથી વિમાન સંચાલનની કામગીરી સંપૂર્ણપણે ફરી શરૂ થશે.
દરમિયાન, લંડન ફાયર બ્રિગેડે માહિતી આપી છે કે હીથ્રો એરપોર્ટ નજીકની પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે. પોલીસના આતંકવાદ વિરોધી અધિકારીઓ આગના કારણની તપાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે હાલમાં આવી કોઈ પરિસ્થિતિની શક્યતા નથી પરંતુ સંપૂર્ણ તપાસ બાદ જ પરિસ્થિતિ સ્પષ્ટ થશે.
હીથ્રો નિયમિતપણે વિશ્વના પાંચ સૌથી વ્યસ્ત હવાઈમથકોમાં સ્થાન ધરાવે છે. અહીંથી વિશ્વના 90 દેશો અને પ્રદેશોના 200 થી વધુ હવાઈમથક પર ફ્લાઇટ્સનું સંચાલન થાય છે. ગયા વર્ષે, અહીંથી આશરે 8 કરોડ 40 લાખ મુસાફરોએ વિક્રમજનક સંખ્યામાં ઉડાન ભરી હતી.