
નવી દિલ્હીઃ મિઝોરમમાં આઈઝોલના બૈરાબી- સૈરાંગ રેલ્વે લાઇન, જેની સૌપ્રથમ કલ્પના 1999 માં કરવામાં આવી હતી, તે હવે વાસ્તવિકતા બની રહી છે
જૂન 2025માં રેલવે સેફ્ટી કમિશનર દ્વારા તેના કમિશનિંગ સાથે, 51.38 કિમીનો આ રેલવે લાઈન મિઝોરમની રાજધાની, આઈઝોલને પહેલી વાર ભારતના રેલ્વે નકશા પર લાવવા માટે તૈયાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી સપ્ટેમ્બરમાં આ લાઇનનું ઉદ્ઘાટન કરશે. આ રેલવે પ્રોજેક્ટની સૌપ્રથમ કલ્પના સપ્ટેમ્બર 1999માં કરવામાં આવી હતી, પરંતુ ગાઢ જંગલો, ઓછી દૃશ્યતા અને મુશ્કેલ ભૂપ્રદેશને કારણે પ્રારંભિક સર્વેક્ષણ કાર્યમાં વિલંબ થયો હતો. શક્યતાના મુદ્દાઓને કારણે 2003માં પ્રમાણભૂત પ્રારંભિક એન્જિનિયરિંગ-કમ-ટ્રાફિક સર્વેક્ષણને બદલે રિકોનિસન્સ સર્વેક્ષણ કરવામાં આવ્યું. અંતિમ ટેકનિકલ રિપોર્ટ 2011માં સબમિટ કરવામાં આવ્યો હતો, જેણે બાંધકામ માટેનો માર્ગ મોકળો કર્યો હતો.
વર્ષ 2014માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કનેક્ટિવિટીને માત્ર પરિવહનનો નહીં, પરંતુ સમગ્ર ઉત્તર-પૂર્વના વિકાસનો આધારસ્તંભ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું, “કનેક્ટિવિટી ઉત્તર-પૂર્વને બદલી નાખશે.” આજે આ દ્રષ્ટિ બૈરાબી–સૈરાંગ રેલ લાઇન દ્વારા સાકાર થઈ રહી છે.
ઇજનેરીનો અદભૂત ચમત્કાર – 51.38 કિમીનો પ્રોજેક્ટ
48 ટનલ્સ, કુલ લંબાઈ – 13 કિમી
55 મોટા પુલ અને 87 નાના પુલ
5 રોડ ઓવર બ્રિજ અને 6 રોડ અંડર બ્રિજ
4 મુખ્ય સ્ટેશનો: હોર્ટોકી, કાવનપુઈ, મુઆલખાંગ અને સૈરાંગ
બ્રિજ નં. 196 — ઊંચાઈનું ગૌરવ
આ પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ છે 114 મીટર ઊંચો બ્રિજ નં. 196, જે કૂતુબ મિનાર કરતાં 42 મીટર વધારે ઊંચો છે. દેશના સૌથી ઊંચા રેલ પુલોમાંનો એક બનીને આ પુલ ભારતીય ટેકનોલોજી અને કુદરતના અદ્ભુત મિલનનું પ્રતિક છે.
સાંસ્કૃતિક ઓળખ સાથે આધુનિકતા
ટનલ્સ માત્ર કાચી બોરીંગ નહીં, પરંતુ મિઝો સંસ્કૃતિના આલેખોથી સજ્જ માર્ગો છે, જ્યાં મુસાફરી એક સાંસ્કૃતિક અનુભૂતિ બની જાય છે. સ્ટેશનો પરંપરા અને આધુનિક સુવિધાઓનું અનોખું સંયોજન દર્શાવે છે.
મિઝોરમ માટે અનેક ફાયદા
ખેડૂતો માટે નવા બજારો સુધી સીધી પહોંચ
વેપારીઓ માટે આર્થિક તકો
યુવાનો માટે શિક્ષણ અને રોજગારના નવા દ્વાર
પર્યટકો માટે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક અનુભવો
સમગ્ર પ્રદેશ માટે સસ્તી અને ઝડપી મુસાફરી
બૈરાબી–સૈરાંગ રેલ લાઇન માત્ર પાટા પર દોડતી ટ્રેન નથી — એ આશા, અવસર અને સમૃદ્ધિ તરફ દોરી જતો માર્ગ છે. હવે મિઝોરમ ભારતના મુખ્ય પ્રદેશ સાથે ગાઢ રીતે જોડાઈ ગયું છે અને તે એક ગૌરવશાળી, ઉદ્યમી ભારતના વિકાસમાં સમાન ભાગીદાર બની રહ્યું છે.