
- વાઘોડિયા બ્રિજ પાસે હાઈવે પરના ખાડામાં ટ્રક ફસાતા ક્રેન બોલાવાઈ,
- જાંબુવા બ્રિજ પાસે પણ વાહનોના થપ્પા લાગ્યા,
- હાઈવે પર પડેલા મસમોટા ખાડા પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ
વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા પાસે ટ્રાફિકજામની સમસ્યા હવે તો કાયમી બની ગઈ છે. અને વાહનચાલકોને કલાકો ફસાયેલા રહેવું પડે છે. વાઘોડિયાબ્રિજ પાસે મસમોટા ખાડા પડતાં શનિવારે ટ્રક ફસાઈ હતી. એના કારણે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. આ ટ્રાફિકજામમાં વાહનો ચાર-પાંચ કલાક સુધી ફસાયેલા જોવા મળ્યા હતા. આ સાથે ટ્રાફિક-પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના પેટ્રોલિંગ સુપરવાઈઝર પણ દોડી આવ્યા. તેમણે ક્રેનની મદદથી ટ્રકને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. હાલમાં હાઈવે પર પડેલા મસમોટા ખાડા પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે, પરંતુ અમદાવાદથી સુરત તરફ જવાના માર્ગે ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો છે.
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર 24 કલાક સતત વાહનોની અવર-જવર રહેતી હોય છે. ત્યારે વડોદરા પાસે સાંકડા બ્રિજ અને બિસ્માર હાઈવેને લીધે ટ્રાફિકજામની સમસ્યા માથાના દૂખાવારૂપ બની ગઈ છે. વાઘોડિયા બ્રિજ પાસે હાઈવે પર મોટા ખાડામાં એક ટ્રકના વ્હીલ ફસાઈ ગયા હતા. ક્રેનની મદદથી ટ્રકને બહાર કાઢવામાં આવી હતી. હાઇવે પર જામમાં ફસાયેલા વાહનચાલકોએ પોતાની પીડા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે છેલ્લા 3-4 કલાકથી જામમાં ફસાયા છીએ . અન્ય એક ટ્રકચાલકે કહ્યું હતું કે 4-5 કલાકથી ટ્રાફિકમાં ફસાયો છું. પાછળ 7-8 કિમીનો જામ છે. માત્ર 2 કિમી જવા માટે 4-4 કલાક સમય લાગી રહ્યો છે. વાઘોડિયા બ્રિજ પાસે મોટા ખાડામાં ફસાયેલી ટ્રકના ડ્રાઈવરે જણાવ્યું કે, શુક્રવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ ટ્રક ફસાઈ હતી. ખાડામાં વ્હીલ ફસાતા ટ્રકનાં બે ટાયર ફાટી ગયાં હતા. જોકે હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવે પર પડેલા મસમોટા ખાડા પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે,