
- ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાયું,
- નર્મદા ડેમમાં 1,67,113 ક્યુસેક પાણીની આવક, નર્મદા ડેમ ઓવરફ્લોથી 1.92 મીટર દુર,
- નર્મદા નદીકાંઠાના 27 ગામોને એલર્ટ કરાયા,
અમદાવાદઃ મધ્યપ્રદેશમાં ભારે વરસાદને લીધે ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં ડેમ 94% જેટલો ભરાયો છે અને એની જળસપાટીમાં છેલ્લા 24 કલાકમાં 25 સેમીનો વધારો નોંધાયો છે. ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે એના 15 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે, જેનો નજારો અદભુત છે. આ સ્થિતિને પગલે ત્રણ જિલ્લાના નદીકાંઠાનાં 27 ગામને એલર્ટ કરવામાં આવ્યાં છે. ડેમ હવે ઓવરફ્લો થવાથી માત્ર 1.92 મીટર જ દૂર છે
ગુજરાતના જીવાદારી સમાન ગણાતા નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં ડેમની સપાટી 136.76 મીટર પર પહોંચી છે, જે તેની મહત્તમ સપાટી (138.68 મીટર)થી માત્ર 1.92 મીટર જ દૂર છે. ઉપરવાસમાં મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતાં નર્મદા ડેમમાં 1,67,113 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે આજે ડેમના 15 દરવાજા 1.40 મીટર સુધી ખોલીને તેમજ RBPH અને CHPHમાંથી કેનાલમાં કુલ 2,24,000 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 25 સેમીનો વધારો થયો છે અને એ 94% જેટલો ભરાઈ ગયો છે. આ સાથે નદીકાંઠાના ત્રણ જિલ્લાનાં 27 ગામને સાવધ રહેવા માટે એલર્ટ કરવામાં આવ્યાં છે.
નર્મદા ડેમમાં હાલ 1,67,113 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. એક ક્યૂસેક એટલે એક સેકન્ડમાં એક ઘનફૂટ પાણી વહી જવું. એક ઘનફૂટ પાણી એટલે 28.32 લિટર થયું કહેવાય. જો નદીમાંથી એક ક્યૂસેક પાણી વહેતું હોય તો એક સેકન્ડ 28.32 લિટરના હિસાબે એક મિનિટમાં 1699.2 લિટર પાણી વહેતું હોય અને એક કલાકમાં 101952 લિટર પાણી વહી જતું હોય. ડેમમાંથી 210776 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું તો એનો અર્થ હવે સમજી શકાશે કે દર કલાકે ડેમમાંથી 21,48,90,34,752 લિટર પાણી છોડવામાં આવે છે.