રાજસ્થાનના ફલોદીમાં ટેમ્પો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 15ના મોત
જયપુરઃ રાજસ્થાનના ફલોદી જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે.ગત મોડી સાંજે, માટોડા નજીક ભારતમાલા એક્સપ્રેસ વે પર એક ટેમ્પો ટ્રાવેલર, ટ્રક સાથે અથડાતા થયેલા અકસ્માતમાં 15 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને બે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસ અને સ્થાનિક રહેવાસીઓએ બચાવ કામગીરી શરૂ કરી હતી, જ્યારે ઘાયલોને ગ્રીન કોરિડોર દ્વારા જોધપુરની MDM હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બધા પીડિતો જોધપુરના સુરસાગર વિસ્તારના એક પરિવારના સભ્યો હતા, જેઓ કોલાયત મેળામાંથી પરત ફરી રહ્યા હતા.મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને અધિકારીઓને ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી.પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી દરેક મૃતકના પરિવારને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.


