1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં 16માંથી 15 બેઠકો બિનહરિફ બની
બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં 16માંથી 15 બેઠકો બિનહરિફ બની

બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં 16માંથી 15 બેઠકો બિનહરિફ બની

0
Social Share
  • ભાજપે મેન્ડેટ નહીં આપતાં હરિભાઈ ચૌધરીએ ફોર્મ પાછુ઼ં ખેચ્યું,
  • સોમવારે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે 5 વિભાગોનું ચિત્ર સ્પષ્ટ થયુ,
  • અંતિમ સમય સુધી દાંતા બેઠકનું કોકડું ગુંચવાયેલું રહ્યું

પાલનપુરઃ સૌથી મોટી ગણાતી બનાસડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં 16 બેઠકોમાંથી 15 બેઠકો બિનહરિફ બની છે. ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી જુથનો દબદબો યથાવત રહ્યો છે. ગઈકાલે સોમવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 5 વિભાગોનું ચિત્ર સ્પષ્ટ બની ગયું હતું. કાંકરેજ, વડગામ, દાંતીવાડા, ધાનેરા અને છેલ્લે પાલનપુર બેઠકો બિનહરીફ થઈ ગઈ હતી. જોકે દાંતાનું કોકડું ગુંચવાયેલું રહ્યું હતું અને પાંચ વાગ્યા સુધી ફોર્મ પાછું ખેંચાયું ન હતું.

બનાસડેરી નિયામક મંડલની ચૂંટણીમાં દાંતા ડેરીના ડિરેક્ટર દિલીપસિંહને રીપીટ ન કરાતા તેમણે પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું ન હતું. ભારતીય જનતા પાર્ટીએ પાલનપુરમાં ભરત પટેલ,વડગામમાં ફલજી ચૌધરી, દાંતામાં અમરતજી પરમાર(ઠાકોર), દાંતીવાડામાં પી.જે.ચૌધરી, ધાનેરામાં જે કે પટેલ અને કાંકરેજમાં બાબુ ચૌધરીને મેન્ડેટ આપ્યા હતા.જેમાં દાંતા, કાંકરેજ અને વડગામમાં ડિરેક્ટરો બદલી દીધા હોવાની પહેલેથી જ જાણ થઈ જતાં ઉમેદવારોમાં શરૂઆતથી જ નારાજગી જોવા મળી હતી અને છેલ્લા દિવસ સુધી મનાવવાના પ્રયાસ જારી રહ્યા હતા.

બનાસડેરીની ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટીમાં “ભાજપ વર્સિસ ભાજપ” જેવી સ્થિતિ એક સમયે ઊભી થઈ હતી. પક્ષના જ અગ્રણીઓ વચ્ચે આંતરિક વિખવાદ અને દાવેદારીને કારણે એક જ બેઠક પર એકથી વધુ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ભાજપે  મેન્ડેટ ન આપતા  વડગામ,કાંકરેજ દાંતા સહિતના વર્તમાન ડિરેક્ટરો અને મોટા નેતાઓના પત્તાં કપાઈ ગયા છે, જ્યારે પક્ષપ્રતિ વફાદાર નવા ચહેરાઓને તક અપાઈ છે. ખાસ કરીને પાલનપુર બેઠક પર પૂર્વ કેન્દ્રીય મંત્રી પાર્ટીના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ અને ચાર વખત સાંસદ રહી ચૂકેલા હરિભાઈ ચૌધરી દ્વારા ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાની લીલી ઝંડી બાદ ફોર્મ ભરવામાં આવ્યું હોવાની વાત વહેતી થઈ હતી. જોકે ભાજપ દ્વારા જ પાલનપુર વિભાગના ડિરેક્ટર ભરત પટેલને ફરી ઉમેદવાર બનાવીને પક્ષે હરિભાઈના રાજકીય ગણિત ઊંધા પાડી દીધા હતા. સોમવારે ફોર્મ પાછા ખેંચવા માટે તેઓ પોતે આવ્યા નહોતા પરંતુ તેમના માણસ દ્વારા ફોર્મ પાછું ખેંચાયું હતું. બનાસકાંઠાના સ્થાનિક રાજકારણમાં એવી પણ ચર્ચા છે કે શંકરભાઈ માત્ર પોતાના માનીતા લોકોને જ તક આપવામાં સફળ રહ્યા છે. કલેકટર કચેરીએ અણદાભાઈ પટેલ ફોર્મ પાછું ખેંચવા હાજર રહ્યા હતા, તેમણે પક્ષને વફાદાર રહ્યા હોવાનું જણાવ્યું હતું. જ્યારે દિનેશ ભટોળને પડતા મૂકીને ફ્લજી પટેલને મેન્ડેડ અપાયું છે. દિનેશ ભાઈને પડતા મૂકીને નવાને તક આપવામાં આવી હોવાનું જણાવાયું હતું. દાંતા બેઠક પર દિલીપસિંહ બારડને બદલે અમરતભાઈ પરમારને પસંદ કરવામાં આવ્યા. જેને લઇ સોમવારે મોડી સાંજ સુધી મનાવવાના પ્રયાસો જારી રહ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code