
- લોખંડની એંગલ વીજળીના હાઈટેન્શન લાઈનને અડી જતાં બન્યો બનાવ,
- 14 લોકોને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા,
- મૃતક યુવાન સારો ક્રિકેટર હતો
વડોદરાઃ ગણેશોત્સવને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે વડોદરા નજીક આવેલી પાદરા ગામે ગણેશ પંડાળ બાધતા 15 યુવાનો વીજળીનો કરંટ લાગ્યો હતો. જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે, જયારે 14 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. યુવકના મોતથી ગણેશોત્સવ પહેલા સમગ્ર પંથકમાં ભારે શોકનો માહોલ છવાયો હતો.
પાદરા તાલુકાના ડબકા ગામે વેરાઈ માતા મંદિર પાસે ગણેશ પંડાલ બાંધતા 15 યુવાનોને કરંટ લાગ્યો હતો જેમાં ઘટના સ્થળે પ્રકાશ ડાયાભાઈ જાદવ ઉર્ફે સચિન નામના યુવાનનું મોત નિપજ્યુ હતુ. જ્યારે અન્ય 14 યુવાનને અલગ અલગ જગ્યાઓ પર ઇજાઓ થઈ હતી. લોખંડની એંગલ પંડાલ પરથી પસાર થતા હાઈટેન્શન લાઈનને અડી જતા આ દુર્ઘટના બની હતી.
સમગ્ર દેશમાં હાલ ગણેશોત્સવને લઈને ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઠેરઠેર લોકો ગણેશોત્સવની તૈયારીઓમાં પડ્યા છે. પરંતુ હવે આ બધા વચ્ચે પાદરા તાલુકાના ડબકા ગામે મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ડબકા ગામના વહેરાઈ માતા મંદિર પાસે ગણેશ પંડાલ બાંધતા 15 યુવાનોને કરંટ લાગ્યો હતો. જેના કારણે ભારે નાસભાગ મચી જવા પામી હતી. લોખંડની એંગલ પંડાલ પરથી પસાર થતા 11 કેવીની હાઈટેન્શન લાઈનને અડી જતા બિમમાં કરંટ ઉતર્યો હતો. જેના કારણે 15 લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા. પંદર પૈકી એક યુવકને તેની ભારે અસર થઇ હતી. પ્રકાશ ડાહ્યાભાઈ જાદવ ઉર્ફે સચિન જાદવનું સારવાર પહેલા જ ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 14 યુવાનો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. ઉત્સવ પહેલા જ સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો હતો.
મૃતક પ્રકાશ જાદવ સારો ક્રિકેટર હતો. પાદરા તાલુકામાં રમાતી ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતો હતો. આથી તે તાલુકામાં સચિન તરીકે ઓળખાતો હતો. લોકોમાં તેના મૂળ નામ પ્રકાશ કરતાં સચિન તરીકે વધારે જાણીતો હતો.