
- કોંગ્રેસની DEO કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી આપી,
- શિક્ષણ સહાયકોની જુલાઈમાં નિમણૂંક થયા બાદ હજુ પગાર મળ્યો નથી,
- DEO કહે છે, કદાચ બે-ત્રણ શિક્ષકોનો પગાર બાકી હશે
રાજકોટઃ શહેર અને જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં સરકાર દ્વારા ગત જુલાઈ માસના અંતમાં શિક્ષણ સહાયકની નિમણૂકો કરવામાં આવી હતી. જેમાં 150 જેટલા શિક્ષણ સહાયકોને અઢી મહિનાનો પગાર ન મળતા દિવાળીના તહેવારોના ટાણે જ શિક્ષણ સહાયકો મુશ્કેલીમાં મુકાયા છે. આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઝોનલ પ્રવક્તાએ દિવાળી પહેલા તાત્કાલિક શિક્ષણ સહાયકોને પગાર ચૂકવવી દેવાની માગણી કરી છે. જો દિવાળી પૂર્વે પગાર નહીં ચૂકવાય તો કોંગ્રેસ દ્વારા DEO કચેરીના ઘેરાવ કરાશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઝોનલ પ્રવક્તા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, રાજ્યભરમાં તાજેતરમાં ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં નવનિયુક્ત શિક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી તે પૈકી રાજકોટ જિલ્લના 150 જેટલા શિક્ષકોની રાજકોટ જિલ્લાના અલગ અલગ ગામડાઓની શાળાઓમાં નિમણૂક કરવામા આવી હતી. જુલાઈ મહિનામાં નિમણૂક થયા બાદ આ તમામ શિક્ષકોને હાલ સુધી તંત્ર દ્વારા એક પણ રૂપિયો પગાર ચૂકવવામાં આવ્યો નથી. રાજ્યના અન્ય જિલ્લાઓ જેમ કે બોટાદ, દાહોદ, અમદાવાદ વગેરેમા આ જ પ્રકારે નિમણૂક પામેલા શિક્ષકોને નિયમિત માસિક પગાર મળી રહ્યો છે.જ્યારે રાજકોટ જિલ્લાના આશરે 150થી વધુ શિક્ષકો એવા છે જેઓએ 28,29 જુલાઇ 2025ના રોજ હાજર થયા હોવા છતાં આજની તારીખ સુધી (ઓક્ટોબર 2025) ત્રણ મહિના પસાર થયા છતાં પણ એક રૂપિયો પગાર પ્રાપ્ત કર્યો નથી.
રાજ્ય સરકાર તરફથી તાજેતરમાં દિવાળી બોનસ અને એડવાન્સ પગારની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે રાજકોટ જિલ્લાના આ શિક્ષકો હજી સુધી નિયમિત પગાર વિના તહેવાર ઉજવવા મજબૂર છે. આ તમામ શિક્ષકોનો માસિક રૂ.40800 એમ જુલાઇ (3 દિવસ), ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાનો કુલ રૂ. 85,548 જેટલો પગાર બાકી છે. નવનિયુક્ત શિક્ષકોના Employee Code મેળવ્યા બાદ પણ પ્રક્રિયા ધીમી ગતિએ માત્ર રાજકોટમા જ ચાલી રહી છે તેવું સ્પષ્ટ દેખાય રહ્યું છે. કોંગ્રેસની માંગ છે કે આ શિક્ષણ સહાયકો દિવાળીએ પોતાના પરિવાર સાથે આનંદપૂર્વક તહેવાર ઉજવવાની તક મળે તે માટે આ તમામ નવનિયુક્ત શિક્ષણ સહાયકોને બાકી રહેલા પગારની તાત્કાલિક ચુકવણી થાય અને રાજ્ય સરકારે જાહેરાત મુજબ એક પગાર એડવાન્સનો લાભ આપવો જોઈએ,
આ બાબતે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણ સહાયકોના પગારની ચુકવણી થઈ જ ગઈ હશે બે – ત્રણ શિક્ષકોનો પગાર જ બાકી હશે. જ્યારે માધ્યમિક શિક્ષક સંઘના કૌશિક રાવલે જણાવ્યું હતું કે, ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 9 અને 10 નવા નિમણૂક પામેલા શિક્ષણ સહાયકોનો પગાર બાકી છે. જોકે દિવાળી પૂર્વે પગાર થઈ જશે તેવું લાગી રહ્યું છે.