રાજકોટ, 10 એપ્રિલ 2026: 17 accused against Gujsikot સૌરાષ્ટ્રમાં કાળિયો અને ઈમલા ગેન્ગ વર્ષોથી ચોરી, લૂંટ, મારામારી અને હત્યાના ગુના આચરીને પોલીસને પડકાર આપતી હતી, આખરે રાજકોટ જિલ્લા પોલીસે માથાભારે બન્ને ગેન્ગના 17 શખસો સામે ગુજસીકોટ હેઠળ ગુનો નોંધીને 12 આરોપીને ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરતા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રભરમાં છેલ્લા 10 વર્ષથી ચોરી, લૂંટ અને ખૂન જેવા ગંભીર ગુનાઓ આચરતી કાળીયો ગેંગના 9 સભ્યો વિરુદ્ધ રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ગેંગનો મુખ્ય સૂત્રધાર રણજીત ઉર્ફે કાળીયો ધીરુભાઈ સોલંકી છે. આ ટોળકી વિરુદ્ધ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં કુલ 47 ગુનાઓ નોંધાયેલા છે. જેમાં રાજકોટ ગ્રામ્યમાં 27, જૂનાગઢમાં 6, રાજકોટ શહેર અને અમરેલીમાં 4-4, તેમજ બોટાદ, ગીર સોમનાથ, જામનગર, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં પણ ગુના નોંધાયા છે. પોલીસે રણજીત સોલંકી સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 1 જેલમાં છે અને અન્ય 2 ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ ઉપરાંત કુખ્યાત ઈમરાન ઉર્ફે ઈમલા હસનભાઈ કટારીયાની ગેંગના 8 સભ્યો સામે ગુજસીટોક લાગુ કરવામાં આવ્યો છે. આ ગેંગનો મુખ્ય હેતુ આર્થિક લાભ મેળવવા માટે વિસ્તારમાં ભય ફેલાવી જાહેર શાંતિનો ભંગ કરવાનો હતો. આ ગેંગ વિરુદ્ધ છેલ્લા 10 વર્ષમાં ખૂનની કોશિશ, આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશન સહિત કુલ 55 ગુનાઓ નોંધાયેલા છે. ગેંગનો મુખ્ય સાગરીત ઈમરાન સહિત 6 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે એક આરોપી કસ્ટડીમાં છે અને એક હજુ ફરાર છે.
પોલીસ સૂત્રોએ ઉમેર્યુ હતું કે, આ ગેંગના સાગરિતો રીઢા ગુનેગાર છે: આરોપી ઈરફાન ઉર્ફે ઈકુ કટારીયા સામે 12 ગુના ખૂનની કોશિશ, પ્રોહિબિશન વગેરેના નોંધાયેલા છે. તેમજ 10 ગુના ખૂનની કોશિશ, અને આર્મ્સ એક્ટ વગેરે નોંધાયેલા છે. જ્યારે આરોપી હુસેન ઉર્ફે ભોલીયો મકરાણી સામે 7 ગુના આર્મ્સ એક્ટ, ગંભીર ઈજા વગેરે. અન્ય સાગરિતો વિરુદ્ધ પણ ગંભીર ઈજા અને મારપીટના અનેક ગુનાઓ નોંધાયેલા છે.


