નવી દિલ્હી: મુંબઈમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક સ્ટુડિયોમાં 15 થી 20 બાળકોને બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા, જેના કારણે ગભરાટ ફેલાયો હતો. આ ઘટના RA સ્ટુડિયોમાં બની હતી, જ્યાં પહેલા માળે એક્ટિંગના ક્લાસ ચાલું હતા.
જાણકારી મુજબ, છેલ્લા ચાર-પાંચ દિવસથી અહીં ઓડિશન ચાલી રહ્યા હતા, આજે સવારે પણ 100 બાળકો આવ્યા હતા, પરંતુ સવારે લગભગ 80 બાળકોને પાછા મોકલી દેવામાં આવ્યા હતા અને બાકીના બાળકોને રૂમમાં બંધ કરી દેવામાં આવ્યા હતા.
બાળકો બારીમાંથી બહાર ડોકિયું કરવા લાગ્યા, જેના કારણે આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો. લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસે બાળકોને મુક્ત કરાવ્યા અને આરોપીની ધરપકડ કરી.
મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, “મુંબઈના પવઈ વિસ્તારમાં રોહિત આર્ય નામના યુવકે કેટલાક બાળકોને બંધક બનાવ્યા હતા. તેણે એક વીડિયો જાહેર કર્યો છે જેમાં તેણે કહ્યું છે કે તે કેટલાક લોકો સાથે વાત કરવા માંગે છે અને જો તેને તેમ કરવાની મંજૂરી નહીં મળે તો તે બધું આગ લગાવી દેશે અને પોતાને અને બાળકોને નુકસાન પહોંચાડશે. આ માણસ માનસિક રીતે અસ્થિર લાગે છે અને પોલીસ આ મામલાને સંભાળવાનો પ્રયાસ કરી રહી છે.”
મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, “બધા બાળકોને ઘટનાસ્થળેથી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. રોહિત આર્ય નામના વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે. પોલીસ તેની સાથે વાત કરી રહી છે અને જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેણે આવું પગલું કેમ ભર્યું અને શું તે ખરેખર માનસિક રીતે અસ્થિર છે.”


